મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં પાટડીના રાજવી દરબારો અને દેસાઈ ભાયાતોની આશરે ૭૫૦ વર્ષની વંશાવલીનો સમાવેશ કરાયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એકતામાં શક્તિ છે. જ્યારે લોકો એકતાથી કામ કરે છે, ત્યારે મોટાંમાં મોટાં કાર્યો સરળતાથી થઇ શકે છે. વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી હોય છે.તેમણે વધુમાં કહ્યું આઝાદીની લડાઈનો પ્રારંભ અસહકારના આંદોલનથી થયો હતો, જ્યારે આજનો સમય સહકારથી સમૃદ્ધિનો છે. જે સમાજના લોકો એકબીજા સાથે સહકારથી, સહાનુભૂતિથી અને પરસ્પર વિશ્વાસથી જોડાયા હોય, તેનો વિકાસ સતત આગળ વધતો જ રહે છે.
ભવિષ્યમાં આવનારા પડકારોને નાથવા માટેનાં અભિયાન અત્યારથી જ શરૂ કર્યાં છે. આપણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને દેશના વિકાસની સાથે આપણી વિરાસતને પણ જિવંત રાખવાની છે. તેમણે ગ્લોબલ વોર્મિંગના પડકારને હરાવવા માટે ‘એક પેડ મા કે નામ’ જેવાં અભિયાનો થકી ગ્રીન કવર વધારવા અને ‘કેચ ધ રેઇન’ જેવી ઝૂંબેશ દ્વારા ભાવિ પેઢીમાં જળસંચયની આદત વિકસાવવા કહ્યું હતું.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે આઝાદી સમયે પાટડીમાં કડવા પાટીદાર સમાજનું એક માત્ર દેશી રજવાડું હતું. આજે હળથી લઈ હેલિકોપ્ટરનું નિર્માણ આ સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે મંદિરો એ શક્તિનાં કેન્દ્રો છે, ત્યારે વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં દરેક તબક્કે મળેલા સહકાર બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે પાટડી દરબારો અને દેસાઈ ભાયાતોના ૭૫૦ વર્ષના ઇતિહાસનું આ પુસ્તક તૈયાર કરનારા પાટીદારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.






