Home Gujarat Bhuj Madhapar Food Poisoning Children Batuk Bhojan

ભુજના માધાપરમાં બટુક ભોજન બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ : મધરાતે હોસ્પિટલમાં ખસેડયા

ભુજમાં ફૂડ પોઈઝનીંગના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 15, 2026, 09:19 AM IST

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામમાં બટુક ભોજનના કાર્યક્રમ બાદ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 3થી 13 વર્ષના બાળકોને ઊલટી અને અન્ય તકલીફો શરૂ થતાં મધરાતે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ, બટુક ભોજન દરમિયાન બાળકોને દાળ-ભાત, સેવ-બુંદી અને છાશ પીરસવામાં આવ્યા હતા. ભોજન લીધાના થોડા સમય બાદ અનેક બાળકોને ઊલટી, બેચેની અને પેટ સંબંધિત તકલીફો શરૂ થઈ હતી. એક પછી એક બાળકોની તબિયત બગડતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.

મધરાતે હોસ્પિટલમાં ખસેડાયા બાળકો

બાળકોની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મધરાત સુધીમાં 30 થી વધુ બાળકો સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.

ડોક્ટરો દ્વારા બાળકોને જરૂરી સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી હતી.

ભાજપના કાર્યક્રમમાં જ નારાજગીનો વિસ્ફોટ: ધારાસભ્ય દર્શના દેશમુખનું વોકઆઉટ, મનસુખ વસાવા પણ સમર્થનમાં

છાશને લઈને પ્રાથમિક શંકા

પ્રાથમિક માહિતી અનુસાર, ભોજનમાં પીરસાયેલી છાશના કારણે બાળકોની તબિયત બગડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.

આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના નમૂનાઓ એકત્ર કરવાની અને તેની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ બાદ જ બાળકોની તબિયત બગડવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આરોગ્ય વિભાગની ટીમ મેદાનમાં

ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓ ઘેરઘેર જઈને અન્ય કોઈ વ્યક્તિને સમાન લક્ષણો જોવા મળ્યા છે કે નહીં તેની માહિતી મેળવી રહ્યા છે.

અધિકારીઓ દ્વારા બાળકોના પરિવારજનોને પણ જરૂરી તકેદારી રાખવા અને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

સાવલીના મંજુસર GIDCમાં ભીષણ આગ: કરોડોનું નુકસાન, ફાયર સેફ્ટીના અભાવે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ સારવાર હેઠળ રહેલા તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે અને કોઈ બાળક ગંભીર સ્થિતિમાં નથી. સમયસર સારવાર મળી જતાં મોટી મુશ્કેલી ટળી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

આ ઘટનાએ ફરી એકવાર સામૂહિક ભોજન કાર્યક્રમોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઊભા કર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now