વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ઔદ્યોગિક હબ મંજુસર GIDC વિસ્તારમાંથી શોર્ટ સર્કિટના કારણે એક ભીષણ અકસ્માત સામે આવ્યો છે. મંજુસર GIDCમાં આવેલી જાણીતી 'પહારપુર કુલિંગ ટાવર્સ લિમિટેડ' કંપનીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં તેણે સમગ્ર કંપનીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં કંપનીનો વિશાળ શેડ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.
દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા
આગ લાગવાની ઘટના બપોરના સુમારે બની હોવાનું જાણવા મળ્યું છે. પહારપુર કુલિંગ ટાવર્સ કંપનીમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે-ગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી દ્રશ્યમાન થતાં આસપાસની અન્ય કંપનીઓના કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને નાસભાગ મચી ગઈ હતી.
વડોદરામાં કલરકામ દરમિયાન દુર્ઘટના: ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત
તંત્ર દોડતું થયું: ભારે જહેમતે આગ પર કાબૂ
ઘટનાની જાણ થતાં જ મંજુસર પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદ્નસીબે, આગ લાગી ત્યારે કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે.
સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત: પરિવારનો ધક્કો મારી નીચે ફેંક્યાનો આક્ષેપ
ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પહારપુર કુલિંગ ટાવર્સ કંપનીમાં આગ ઓલવવા માટેની જરૂરી અને ફરજિયાત ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. નિયમોના ઉલ્લંઘનને કારણે આગ પર શરૂઆતમાં કાબૂ મેળવી શકાયો નહોતો.
તપાસના આદેશ
આ અકસ્માતને પગલે કંપનીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં મંજુસર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તેમજ નુકસાનીનો સચોટ આંકડો મેળવવા માટે એફએસએલ (FSL)ની મદદથી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટી વિના ધમધમતી કંપની સામે તંત્ર આગામી દિવસોમાં કડક પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે.






