Home Gujarat Bhavnagars Rough Roads And Torrential Rainscause Hardship To City Dwellers

બિસ્માર રસ્તાએ શહેરીજનોની વધારી સમસ્યા : ભાવનગરમાં ખખડધજ રોડ અને છાશવારે પડતા ભુવાથી શહેરીજનો ત્રાહિમામ

બિસ્માર રસ્તાએ શહેરીજનોની વધારી સમસ્યા
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 03:46 PM IST

ભાવનગર શહેરમાં મોટાભાગના રોડ-રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ચક્કાજામ સર્જીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો હતો.

શહેરના સંસ્કાર મંડળ, સરદારનગર, સુભાષનગર સહિતના અનેક વિસ્તારોમાં રોડના કામો ગોકુળગાયની ગતિએ ચાલી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધૂળની ડમરીઓ અને ખાડા-ટેકરાવાળા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત, આગામી રથયાત્રાને આડે માત્ર એક માસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાના રૂટ પર આવતા મુખ્ય રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં છે. આ સ્થિતિ જોતા રથયાત્રા દરમિયાન ભક્તો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

શહેરીજનોની આ સમસ્યાઓ અને તંત્રની ઉદાસીનતાને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આતાભાઈ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રસ્તાઓ ઝડપથી રીપેર કરવાની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો, જેના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.

જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેમને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા રસ્તાઓની દુર્દશા મુદ્દે કરાયેલા આ વિરોધને શહેરીજનોનો વ્યાપક ટેકો મળી રહ્યો છે.

નાગરિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામનું કાર્ય હાથ ધરવામાં આવે, જેથી શહેરીજનોને હાલાકીમાંથી મુક્તિ મળે અને આગામી રથયાત્રા પણ સુચારુ રૂપે સંપન્ન થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now