ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામમાં જૂની અદાવત અને વેરભાવને કારણે સર્જાયેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ફિલ્મી ઢબે સર્જાયેલા આ બનાવમાં એક શખ્સે ઈરાદાપૂર્વક પોતાની ઈકો ગાડી એક્ટિવા સાથે ભટકાવી દેતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ તપાસમાં આ સમગ્ર ઘટના એક વર્ષ જૂના ખૂન કેસના બદલાની ભાવનાથી અંજામ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઘોઘા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભુતેશ્વર ગામના રહેવાસી હાર્દિક બટુકભાઈ કંટારીયાએ સમગ્ર બનાવ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ અને તેમના મિત્ર સુનિલ કંટારીયા અગાઉ ગામના જ પિયુષ મંગાભાઈ કંટારીયાના ખૂન કેસમાં જેલમાં હતા. હાલ હાર્દિક જામીન પર બહાર છે, જ્યારે સુનિલ હજુ જેલમાં બંધ છે.
આ પણ વાંચો: ભાવનગરમાં કૌટુંબીક ઝઘડો લોહિયાળ બન્યો : દીકરી-જમાઈના વિવાદમાં સસરાની હત્યા
હોસ્પિટલ મુલાકાત બાદ બની ઘટના
ફરિયાદ મુજબ ગતરોજ સુનિલને જેલમાંથી સારવાર અર્થે પોલીસ જાપ્તા હેઠળ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આથી હાર્દિક પોતાના મિત્રો શાંતિ ઘેલાભાઈ કંટારીયા અને રોનક ગાંડાભાઈ કંટારીયા સાથે એક્ટિવા પર હોસ્પિટલ ખાતે સુનિલને મળવા ગયા હતા.
ત્રણેય મિત્રો હોસ્પિટલેથી મળ્યા બાદ ડી-માર્ટ મોલ ખાતે ગયા હતા અને ત્યારબાદ પરત પોતાના ગામ તરફ નીકળી રહ્યા હતા. સાંજે અંદાજે ચાર વાગ્યાના સમયે તેઓ અવાણીયા પીટીયા અને પીપળીયા પુલ વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આ જીવલેણ હુમલો થયો હતો.
ફરિયાદ અનુસાર સામે તરફથી પિયુષ કંટારીયાના ભાઈ હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારીયા પોતાની ઈકો ગાડી ખૂબ જ ઝડપે અને રોંગ સાઈડમાં ચલાવીને આવી રહ્યો હતો. આરોપીએ જૂની અદાવતનો બદલો લેવા અને જીવથી મારી નાખવાના ઈરાદા સાથે સીધી ગાડી એક્ટિવા સાથે ધડાકાભેર ભટકાવી દીધી હતી.
100 ફૂટ સુધી ઢસડાયા યુવકો
અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા સહિત ત્રણેય યુવકો રસ્તા પર આશરે 100 ફૂટ જેટલા ઢસડાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ હુમલામાં શાંતિ ઘેલાભાઈ કંટારીયાને માથા, મોઢા, હાથ અને પગ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે તેમનું
ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે ફરિયાદી હાર્દિક અને રોનકને પણ શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાર્દિકની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક અમદાવાદ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ રોનક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: વડોદરાથી ગુમ થયેલા MBBSના 21 વર્ષના વિદ્યાર્થીની શોધમાં પરિવાર : CM સમક્ષ લગાવી ન્યાયની ગુહાર
આરોપી ગાડી મૂકીને ફરાર
ઘટના સર્જ્યા બાદ આરોપી હસમુખ ઉર્ફે શીશો પોતાની ઈકો ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઘોઘા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા તેમજ અકસ્માતગ્રસ્ત વાહનો કબજે લઈને તપાસ આગળ ધપાવી છે. પ્રાથમિક તપાસમાં આ બનાવ પૂર્વનિયોજિત હુમલો હોવાનું સ્પષ્ટ બનતું જાય છે.
જૂની હત્યાનાં કેસની અદાવત
ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આશરે એક વર્ષ પહેલા બનેલા ખૂન કેસની અદાવત અને વેરભાવ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે જૂની દુશ્મનાવટના કારણે આરોપીએ તક જોઈ જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવે ફરી એકવાર જૂની અદાવતો અને વ્યક્તિગત વેરઝેર કેટલા ભયાનક પરિણામ લાવી શકે છે તે સામે લાવ્યું છે. સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઈને ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘોઘા પોલીસે આરોપી હસમુખ ઉર્ફે શીશો સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સંભવિત સ્થળોએ શોધખોળ હાથ ધરાઈ રહી છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. સાથે સાથે સમગ્ર ઘટનામાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.






