Home Gujarat Bhavnagar Family Dispute Father In Law Murder Case

ભાવનગરમાં કૌટુંબીક ઝઘડો લોહિયાળ બન્યો : દીકરી-જમાઈના વિવાદમાં સસરાની હત્યા

સસરા ગોરધનભાઈની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 29, 2026, 08:28 AM IST

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં કૌટુંબીક ઝઘડો લોહિયાળ ઘટનામાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દીકરી અને જમાઈ વચ્ચે ચાલતા ઘરેલુ વિવાદમાં વચ્ચે પડેલા સસરાની ઈંટના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ ચિત્રા વિસ્તારની બેંક કોલોનીમાં રહેતા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયાની આ બનાવમાં મોત નિપજ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોરધનભાઈની દીકરી અને તેમના જમાઈ રાકેશ વચ્ચે લાંબા સમયથી ઘરેલુ મનદુઃખ ચાલતું હતું. રોજગારી અને ઘરેલુ બાબતોને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

ઘરેલુ ઝઘડાએ લીધો હિંસક વળાંક

સ્થાનિક સૂત્રો અનુસાર આરોપી જમાઈ રાકેશ હીરા ઘસવાની કામગીરી સાથે જોડાયેલો હતો, પરંતુ તે નિયમિત રીતે કામ પર જતો ન હોવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ રહેતો હતો. બનાવના દિવસે પણ દીકરી અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધી જતા ગોરધનભાઈ વચ્ચે પડ્યા હતા અને તેમણે જમાઈ રાકેશને ઠપકો આપ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા રાકેશે ગોરધનભાઈ સાથે મારામારી શરૂ કરી હતી. જોકે મામલો ત્યાં શાંત થયો નહોતો.

પરિવારજનોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે રાકેશ ફરી કેટલાક લોકો સાથે ગોરધનભાઈના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ફરી ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ગોરધનભાઈને પકડી રાખી તેમના માથાના ભાગે ઈંટના ઘા ઝીંકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતના ઉતરાણમાં હાઈપ્રોફાઈલ જુગાર રેકેટનો પર્દાફાશ : મહિલાઓએ જમાવી હતી જુગારની મહેફિલ, 7 મહિલા પોલીસના સકંજામાં

સારવાર દરમિયાન મોત

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ગોરધનભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો.

મૃતકના દીકરા સંદીપએ મીડિયાને જણાવ્યું હતું કે સાંજે તેમની બહેન અને બનેવી વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે તેમના પિતા વચ્ચે પડ્યા હતા. બાદમાં રાત્રે રાકેશ અને અન્ય લોકો ફરી ઘરે આવ્યા અને તેમના પિતાને પકડી રાખીને માથામાં ઈંટ મારી દીધી હતી. પરિવારજનોના આક્ષેપ મુજબ હુમલો પૂર્વનિયોજિત હોઈ શકે છે. જોકે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: "દીકરી અંદર ના આવતી, પાણી ના પીતી" : જતાં જતાં પિતા ચિઠ્ઠીમાં ચેતવણી આપી પરિવારને બચાવતા ગયા, ગાંધીનગરનો ચોંકાવનારો કિસ્સો

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતાં જ સીટી ડીવાયએસપી આર.આર. સિંધાલ, બોરતળાવ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ચિત્રા વિસ્તારની બેંક કોલોનીમાં કૌટુંબીક ઝઘડામાં ગોરધનભાઈ દલસાણીયાને માથાના ભાગે ઈંટ મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં દીકરી અને જમાઈ વચ્ચેના મનદુઃખને કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરાથી ગુમ થયેલા MBBSના 21 વર્ષના વિદ્યાર્થીની શોધમાં પરિવાર : CM સમક્ષ લગાવી ન્યાયની ગુહાર

આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમો સક્રિય

ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરી છે અને સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. શહેરમાં બનેલી આ ઘટનાએ કૌટુંબીક વિવાદો કેટલા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે તે ફરી એકવાર સામે લાવ્યું છે. સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે નાની બાબતોમાં વધતા હિંસક વલણને કારણે સમાજમાં ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now