Home Gujarat Vadodara Vadodara Mbbs Student Missing Family Seeks Cm Help

વડોદરાથી ગુમ થયેલા MBBSના 21 વર્ષના વિદ્યાર્થીની શોધમાં પરિવાર : CM સમક્ષ લગાવી ન્યાયની ગુહાર

ગુમ વિદ્યાર્થીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 29, 2026, 07:45 AM IST

વડોદરા શહેરની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થીના રહસ્યમય રીતે ગુમ થઈ જવાના બનાવે પરિવાર સાથે સમગ્ર વિસ્તારને ચિંતામાં મૂકી દીધો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વતની અને બોયઝ હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીનો છેલ્લા એક મહિનાથી કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારજનોએ દીકરાની શોધમાં ગુજરાતથી લઈને દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ અને અન્ય અનેક શહેરોમાં ભટક્યા છતાં સફળતા હાથ લાગી નથી. હવે અંતે થાકેલા અને હતાશ બનેલા પરિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને દીકરાને શોધી આપવાની વિનંતી કરી છે.

પરિવારના જણાવ્યા મુજબ વિદ્યાર્થી 26 એપ્રિલ, 2026ના રોજ પોતાના વતનથી વડોદરા આવ્યો હતો. વડોદરા પહોંચ્યા બાદ તેણે પિતાને ફોન કરીને સુરક્ષિત રીતે હોસ્ટેલ પહોંચી જવાની જાણ કરી હતી. ત્યારબાદ 27 એપ્રિલના રોજ તેણે માતા સાથે છેલ્લી વાર વાતચીત કરી હતી. પરંતુ ત્યારથી તેનો મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે અને ત્યારબાદથી તેની કોઈ માહિતી મળી નથી.

ATMના CCTVમાં છેલ્લી વખત કેદ થયો

તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા હતા. વિદ્યાર્થી 27 એપ્રિલના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલ સામે આવેલા SBI ATMમાંથી પૈસા ઉપાડતો CCTV કેમેરામાં કેદ થયો હતો. ત્યારબાદ તે દિલ્હી ગયો હોવાના સંકેતો મળ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે 28 એપ્રિલના રોજ બપોરે અંદાજે 2 થી 3 વાગ્યાની વચ્ચે વિદ્યાર્થી દિલ્હી રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યો હતો. જોકે તપાસમાં સૌથી મોટો અવરોધ એ રહ્યો કે દિલ્હી રેલવે સ્ટેશનની બહાર લાગેલા CCTV કેમેરા તે સમયે લગભગ ત્રણ કલાક સુધી બંધ હતા. જેના કારણે વિદ્યાર્થી સ્ટેશનમાંથી બહાર નીકળ્યા બાદ કઈ દિશામાં ગયો તેની કોઈ મહત્વપૂર્ણ કડી પોલીસને મળી શકી નથી. આ ઘટનાએ તપાસને વધુ જટિલ બનાવી દીધી છે. પોલીસ હાલ વિવિધ રાજ્યોની એજન્સીઓ સાથે સંપર્કમાં રહી વિદ્યાર્થીના લોકેશન અને હિલચાલ અંગે માહિતી એકત્રિત કરી રહી છે.

આ પણ વાંચો: "દીકરી અંદર ના આવતી, પાણી ના પીતી" : જતાં જતાં પિતા ચિઠ્ઠીમાં ચેતવણી આપી પરિવારને બચાવતા ગયા, ગાંધીનગરનો ચોંકાવનારો કિસ્સો

ATKTના ટેન્શનને લઈને આશંકા

પરિવારજનો જ્યારે વિદ્યાર્થીના હોસ્ટેલ રૂમ સુધી પહોંચ્યા ત્યારે રૂમને તાળું મારેલું હતું. બાદમાં તેના મિત્રોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થી MBBSના આઠમા સેમેસ્ટરમાં ATKT ધરાવતો હતો. આ બાબતની જાણ પરિવારને અગાઉ નહોતી.

પરિવારનું કહેવું છે કે અભ્યાસના દબાણ અને પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થી કોઈ માનસિક દબાણમાં હતો તેવી શક્યતા નકારી શકાય નહીં. આગામી 1 જૂનના રોજ તેની ATKTની પરીક્ષા પણ છે, પરંતુ તે ગુમ હોવાથી પરીક્ષા આપી શકશે નહીં.

મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણ અને સ્પર્ધાત્મક વાતાવરણને લઈને પણ આ બનાવ બાદ ચર્ચા તેજ બની છે. નિષ્ણાતોનું કહેવું છે કે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃતિ અને કાઉન્સેલિંગની જરૂર છે.

આ પણ વાંચો: સુરતના ઉતરાણમાં હાઈપ્રોફાઈલ જુગાર રેકેટનો પર્દાફાશ : મહિલાઓએ જમાવી હતી જુગારની મહેફિલ, 7 મહિલા પોલીસના સકંજામાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધું ગંભીરતાથી

વિદ્યાર્થીના પિતા દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો. પરિવાર સાથે મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ તાત્કાલિક વડોદરા શહેર પોલીસ કમિશનરને ફોન કરીને કડક સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આટલા દિવસથી વિદ્યાર્થી ગુમ છે, તેને ગમે ત્યાંથી શોધી લાવો. મારે પરિણામ જોઈએ.' મુખ્યમંત્રીના આ હસ્તક્ષેપ બાદ પોલીસ તંત્ર પર વધુ દબાણ વધ્યું છે અને તપાસ વધુ ઝડપથી આગળ વધે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો: વડોદરાના પોશ વિસ્તારમાં કારમાંથી મળી વેપારીની લોહી લથપથ લાશ : પોલીસને જે મેસેજ મળ્યો હતો એના કરતા સાવ ઉંધું નીકળ્યું

દેશભરમાં દીકરાની શોધમાં પરિવાર

હતાશ બનેલા પિતાએ રડતા અવાજે જણાવ્યું હતું કે પરિવાર છેલ્લા એક મહિનાથી સતત દીકરાની શોધમાં છે. તેઓ દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ, ઝારખંડ, અમદાવાદ અને કોટા સહિત અનેક શહેરોમાં જઈ તપાસ કરી ચૂક્યા છે. હવે તેઓ મથુરા અને વૃંદાવન જવાની તૈયારીમાં છે. પરિવારનું કહેવું છે કે વિદ્યાર્થી પાસે માત્ર 17 હજાર રૂપિયા હતા, જે અત્યાર સુધીમાં પૂરા થઈ ગયા હશે. દીકરાની કોઈ ખબર ન મળતા માતાની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ રહી હોવાનું પિતાએ જણાવ્યું હતું. તેમણે માંગ કરી છે કે આ સમગ્ર કેસની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે જેથી ટેકનિકલ અને વ્યાવસાયિક રીતે વધુ ઝડપથી તપાસ થઈ શકે.

પોલીસની તપાસ ચાલુ

બીજી તરફ રાવપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.જે. પટેલે જણાવ્યું હતું કે પોલીસની એક ટીમ દિલ્હી જઈ તપાસ કરીને આવી છે. હાલ ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ડેટા અને અન્ય તમામ શક્ય દિશાઓમાં તપાસ ચાલી રહી છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જો કોઈને વિદ્યાર્થી અંગે કોઈ માહિતી મળે તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા તપાસ ટીમનો સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now