Home Gujarat Ahmedabad Iskcon Bridge Accident Tathya Patel Bail Grantedsupreme Court On Bond Of Rs 1 Crore

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને મોટી રાહત! : રૂ.1 કરોડના બોન્ડ પર સુપ્રીમ કોર્ટથી જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ

Iskcon Bridge Accident Tathya Patel Bail
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 12:09 PM IST

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જુલાઈ 2023 માં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે આખરે નિયમિત જામીન મંજૂર કર્યા છે. પોણા ત્રણ વર્ષ જેટલો લાંબો સમય સાબરમતી જેલમાં વીતાવ્યા બાદ તથ્ય પટેલ બહાર આવી રહ્યો છે, પરંતુ આ જામીન તેને સહેલાઈથી નથી મળ્યા. કોર્ટે તથ્ય પટેલ સમક્ષ એક આકરી શરત મૂકી છે, જેમાં તેણે ૧૫ દિવસની અંદર અમદાવાદ ટ્રાયલ કોર્ટમાં ૧ કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. આ રકમ જમા થયા બાદ જ તે જેલમાંથી બહાર આવી શકશે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત એ અમદાવાદનો એક એવો કાળો અધ્યાય છે જેને શહેરીજનો ક્યારેય ભૂલી શકશે નહીં. પૂરપાટ ઝડપે દોડતી લક્ઝુરિયસ જગુઆર કારે નવ પરિવારોના સ્વજનોને કાયમ માટે છીનવી લીધા હતા. આ કેસમાં કાનૂની પ્રક્રિયા અત્યંત લાંબી ચાલી હતી અને માત્ર ચાર્જફ્રેમ કરવામાં જ 853 દિવસ જેટલો સમય નીકળી ગયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટની કડક સૂચના બાદ ટ્રાયલ કોર્ટે સુનાવણીની ગતિ વધારી હતી અને રેકોર્ડબ્રેક સમયમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

સાક્ષીઓની જુબાની અને કાનૂની જંગ

સુપ્રીમ કોર્ટે અગાઉ નિર્દેશ આપ્યો હતો કે કેસના મુખ્ય સાક્ષીઓની જુબાની ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે. આ આદેશના પગલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દિવસ-રાત કામ કરીને માત્ર ત્રણ મહિનામાં ૨૮ સાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. આ સમગ્ર કાર્યવાહીનો અહેવાલ તપાસનીશ અધિકારી દ્વારા સોગંદનામા સ્વરૂપે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે કોર્ટે આખરે શરતી જામીન આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન: પોણા ત્રણ વર્ષ બાદ જેલ બહાર આવશે, અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત

શું હતી 19 જુલાઈ, 2023ની એ કાળરાત્રિ?

19 જુલાઈ, 2023ની મધ્યરાત્રિએ ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલો આ અકસ્માત અત્યંત હૃદયદ્રાવક હતો. આરોપી તથ્ય પટેલ દ્વારા પુરપાટ ઝડપે કાર હંકારીને નિર્દોષ લોકોને કચડી નાખવામાં આવ્યા હતા, જેમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC ની ગંભીર કલમો જેમ કે 304 (ગેરઈરાદાપૂર્વકનું મનુષ્યવધ) અને 308 જેવી જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે તથ્ય પટેલને જામીન મળ્યા છે, ત્યારે 1કરોડની આ આર્થિક શરત કાનૂની જગતમાં અને સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બની છે. તથ્ય પટેલ ૧૫ દિવસમાં આ રકમ જમા કરાવી શકે છે કે નહીં, તે જોવું રહ્યું.

કેસ ફરી ચર્ચામાં કેમ?

સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા બાદ આ કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક તરફ કેટલાક લોકો કોર્ટના નિર્ણયને કાનૂની પ્રક્રિયાનો ભાગ માની રહ્યા છે, તો બીજી તરફ અકસ્માતમાં જીવ ગુમાવનાર પરિવારો માટે આ નિર્ણય ભાવનાત્મક રીતે મહત્વનો બની રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now