Home Gujarat Bharatbhai Sondarva Death Case Sit Demand Junagadh

ભરત સોંદરવા મોત કેસમાં SIT તપાસની માંગ : અનુસૂચિત જાતિ સમાજે આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ

જુનાગઢ પોલીસ ભવન
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 14, 2026, 10:00 AM IST

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામના યુવા દલિત આગેવાન ભરત સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ કેસમાં પોલીસ તપાસ સામે હવે અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ તપાસમાં કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી તેવો આક્ષેપ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે સત્ય બહાર લાવવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા રેન્જ આઈ.જી. કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવવામાં આવી છે.

સમાજના આગેવાનોનું કહેવું છે કે ભરત સોંદરવાના મૃત્યુ કેસને સામાન્ય ઘટના તરીકે નહીં પરંતુ ગંભીર અને સંવેદનશીલ હત્યા કેસ તરીકે જોવાની જરૂર છે. પોલીસની હાલની તપાસ પ્રત્યે સમાજમાં અવિશ્વાસ ઊભો થયો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

રમરેચી ગામેથી મળી આવી હતી લાશ

મળતી માહિતી મુજબ, જૂથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સેવા આપતા ભરત સોંદરવાની 7 માર્ચ 2026 ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી ગામેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે તાલાલા પોલીસ મથકે બી.એન.એસ.ની કલમ 103(1) અને 115(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પરંતુ ઘટનાના બે મહિના અને આઠ દિવસ જેટલો સમય પસાર થયા છતાં પણ પોલીસ હત્યાના ચોક્કસ કારણો, સંજોગો અથવા આરોપીઓ સુધી પહોંચી શકી નથી તેવો આક્ષેપ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો કરી રહ્યા છે. આ મુદ્દે હવે સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
વડોદરા પાલિકામાં મેયર-ડેપ્યુટી મેયરની વરણી પર ‘બ્રેક’: કાયદાકીય ગૂંચ અને રાજકીય અનિર્ણાયકતાને કારણે પ્રક્રિયા ટળી

પોલીસની ભૂમિકા પર સવાલ

રેન્જ આઈ.જી.ને પાઠવાયેલા આવેદનપત્રમાં સમાજના પ્રતિનિધિઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સામાન્ય ગુનાઓમાં પોલીસ ઝડપથી પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો જાહેર કરતી હોય છે, જ્યારે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસ મીડિયા સામે આવવાનું પણ ટાળી રહી છે.

આ પરિસ્થિતિને પગલે સમગ્ર પ્રકરણને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની શંકા સમાજના લોકો વ્યક્ત કરી રહ્યા છે. કેસની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ માટે હવે વિશેષ તપાસ ટીમ (SIT) રચવાની અથવા તપાસ CIDને સોંપવાની માંગ ઉઠાવવામાં આવી છે.

રી-પોસ્ટમોર્ટમની માંગ ઉગ્ર બની

આવેદનપત્રમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે બી.એન.એસ.એસ.ની કલમ 196 મુજબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી જામનગરની સર જી.જી. હોસ્પિટલ ખાતે ફોરેન્સિક નિષ્ણાતોની પેનલ દ્વારા વીડિયોગ્રાફી સાથે રી-પોસ્ટમોર્ટમ કરવામાં આવે.

સમાજના આગેવાનોનું માનવું છે કે ફરી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે તો ઘટનાના મૂળ કારણો બહાર આવી શકે છે અને તપાસને નવી દિશા મળી શકે છે. આ માંગ સાથે સમાજના લોકો હવે વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મૂછડીયાએ જણાવ્યું હતું કે હાલની તપાસથી સમાજને સંતોષ નથી. જો સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો પીડિત પરિવાર અને સમાજ પોતે કાયદાકીય લડત લડવા માટે મજબૂર બનશે.
પરિણીતાનાં રહસ્યમય મોત બાદ પતિ સહિત સાસરિયા સામે ગુનો થયો દાખલ: દહેજનાં ભૂખ્યા હતા સાસરિયા?

15 દિવસનું અલ્ટીમેટમ, ઉપવાસ આંદોલનની ચીમકી

સમાજના આગેવાનોએ તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે જો 1 જૂન 2026 સુધીમાં કેસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય અને સત્ય બહાર નહીં આવે તો જૂનાગઢ સ્થિત રેન્જ આઈ.જી. કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

આંદોલનની ચીમકી બાદ વહીવટી તંત્ર પર દબાણ વધી શકે છે. સમાજના આગેવાનો દ્વારા આ આવેદનપત્રની નકલ રાજ્યપાલ, મુખ્યમંત્રી, માનવ અધિકાર આયોગ સહિત ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.

ભરત સોંદરવા કેસ હવે માત્ર એક મૃત્યુની તપાસ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ ન્યાય, પારદર્શિતા અને પોલીસ તપાસની વિશ્વસનીયતા સાથે જોડાયેલો મહત્વનો સામાજિક મુદ્દો બની રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now