Banaskantha News: આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્વમાનભેર પુનર્વસન કરાવ્યું. કોદાર્વી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોને એક સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ બની રહેશે. આ પરિવારોની ૮.૫ હેક્ટર જેટલી જમીન અંગે પોલીસે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી છે. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી છે.
આ કહાની છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલાં દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામની. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને ૨૯ કોદાર્વી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. આજે આ પરિવારોનું પુનર્વસન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાવવામાં આવ્યું.
શું છે આ ચડોતરું?
ચડોતરું એ આદિવાસી સમાજની વેર લેવાની પરંપરા છે. વેર વાળવાની પરંપરા કેટલાંય વર્ષોથી આદિવાસી સમાજમાં ચાલતી આવી છે. આ કુરિવાજને કારણે જ મોટા પીપોદરા ગામના કોદાર્વી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યોએ 12 વર્ષ પહેલા પોતાનું વતન છોડી પાલનપુર અને સુરત જેવા શહેરોમાં આશ્રય લેવો પડ્યો હતો. પોતાના ઘર, જમીન અને મૂળિયાંથી વિખૂટા પડીને આ પરિવારોએ લાંબો સમય વિસ્થાપનની પીડા ભોગવી હતી.
શું બની હતી ઘટના?
લગભગ 12 વર્ષ પહેલા મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમાજના એક ડાબી યુવકની હત્યા થઈ હતી. આ હત્યાનો આરોપ આ 29 પરિવારોના સભ્યો પર મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે કેસ પણ નોંધાયો હતો અને એક યુવકને પાંચ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું, જોકે બાદમાં તે નિર્દોષ સાબિત થયો હતો. આ હત્યાના કારણે આદિવાસી સમાજના રીતિ-રિવાજ મુજબ "ચડોતરું" કરવામાં આવ્યું હતું. આ સામાજિક રિવાજના ભાગરૂપે થયેલા દબાણને કારણે આ 29 પરિવારોએ ગામ છોડી દેવું પડ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરી. આ પરિવારોની આ ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને કરી. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના ૨૭ જેટલા પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.
આદિવાસી પરિવારોના પુનર્વસનની આ ઐતિહાસિક કામગીરી અંતર્ગત મંત્રી હર્ષ સંઘવી આ પરિવારોને માનભેર ગામમાં આવકારશે. સાથોસાથ તેમની જમીન પર પૂજાવિધિ કરી બિયારણ વાવણી થકી આ પરિવારોને પુનઃ આ ગામના એક અંગ તરીકે જોડશે. ત્યાર બાદ મંત્રી હર્ષ સંઘવી સ્થળાંતર કરેલા પરિવારો સાથે વાર્તાલાપ કરીને તેમના પુનર્વસન માટેની યોજનાઓ પર ચર્ચા કરશે. તે ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોને શિક્ષણ સામગ્રી અને રેશન કિટનું વિતરણ કરશે. આ ઐતિહાસિક પ્રસંગ પુનર્વસન થનાર આદિવાસી પરિવારોના સુખ-શાંતિની નવી શરૂઆતનું પ્રતીક બનશે.





