ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ માથા પર શિંગડા ધરાવતી એક અનોખી મધમાખીની નવી પ્રજાતિ શોધી છે. તેના આ અદ્દભુત દેખાવને કારણે તેને “લ્યુસિફર” નામ આપવામાં આવ્યું છે, જે નેટફ્લિક્સના લોકપ્રિય શોથી પ્રેરિત છે. આ શોધ વૈજ્ઞાનિક જગતમાં નવી ઉત્સુકતા જગાવી રહી છે.
હાઇમેનોપ્ટેરા જર્નલમાં સોમવારે પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, 2019માં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડફિલ્ડ્સ વિસ્તારમાં લુપ્તપ્રાય જંગલી ફૂલોનું સર્વેક્ષણ કરતી વખતે સંશોધકોને આ મધમાખી મળી હતી. આ નવી પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ “Megachile Lucifer” રાખવામાં આવ્યું છે.
અભ્યાસના મુખ્ય સંશોધક ડૉ. કિટ પ્રેન્ડરગાસ્ટએ જણાવ્યું કે આ મધમાખી માદા છે અને તેના માથા પર નાના પરંતુ સ્પષ્ટ શિંગડા છે. તેઓએ કહ્યું, “જ્યારે હું આ મધમાખી વિશે લખી રહ્યો હતો, ત્યારે હું નેટફ્લિક્સ પર ‘લ્યુસિફર’ જોઈ રહ્યો હતો. તેના શેતાન જેવા શિંગડા જોઈને મને લાગ્યું કે આ નામ એકદમ યોગ્ય રહેશે.”
ડીએનએ વિશ્લેષણમાં નવી પ્રજાતિની પુષ્ટિ
વિજ્ઞાનીઓએ આ મધમાખીનું DNA પરીક્ષણ પણ કર્યું, જેના આધારે જાણવા મળ્યું કે તેનો જિનેટિક ડેટા અત્યાર સુધી જાણીતી કોઈપણ મધમાખી સાથે મેળ ખાતો નથી. આથી સ્પષ્ટ થયું કે આ એક સંપૂર્ણપણે નવી પ્રજાતિ છે.
શિંગડાનો હેતુ હજી સંશોધનમાં
પ્રેન્ડરગાસ્ટના જણાવ્યા મુજબ, આ મધમાખીના શિંગડા આશરે 0.9 મિલીમીટર લાંબા છે. તે ફૂલોની અંદર પહોંચવા અને પોતાના માળાને સુરક્ષિત રાખવા માટે તેનો ઉપયોગ કરે છે. તેમ છતાં, વૈજ્ઞાનિકો આ શિંગડાનો સાચો હેતુ શું છે તે જાણવા માટે વધુ સંશોધન કરી રહ્યા છે.
CSIRO મુજબ ઓસ્ટ્રેલિયામાં મધમાખીઓની વૈવિધ્યતા
ઓસ્ટ્રેલિયન નેશનલ સાયન્સ એજન્સી CSIROના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં હાલમાં 2,000 થી વધુ મધમાખીની પ્રજાતિઓ છે, પરંતુ તેમામાંથી 300 જેટલી પ્રજાતિઓ હજી સુધી વૈજ્ઞાનિક રીતે વર્ણવાઈ નથી અથવા નામ આપવામાં આવ્યું નથી.
આ નવી શોધ માત્ર જૈવ વૈવિધ્યના અભ્યાસમાં નહીં, પરંતુ પરાગણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ એક મહત્વપૂર્ણ યોગદાન તરીકે જોવામાં આવી રહી છે.




















