આસામ વિધાનસભાએ બુધવારે સમાન નાગરિક સંહિતા એટલે કે Uniform Civil Code (UCC) બિલ પાસ કરીને મહત્વપૂર્ણ રાજકીય અને કાનૂની પગલું ભર્યું છે. ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે આસામ UCC લાગુ કરનાર દેશનું ત્રીજું રાજ્ય બની ગયું છે. બિલ પાસ થતાં રાજ્યની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ છે અને સત્તાપક્ષ તથા વિરોધપક્ષ વચ્ચે તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિધાનસભામાં બિલ પસાર થયા બાદ NDAના તમામ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું કે આ માત્ર કાનૂની સુધારો નથી, પરંતુ સમાજમાં સમાનતા અને ન્યાય સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
દરેક ધર્મના લોકોને સમાન અધિકાર મળશે: CM સરમા
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આસામમાં હવે દરેક ધર્મના લોકોને નાગરિક બાબતોમાં કાયદા સમક્ષ સમાન અધિકાર મળશે. તેમણે લખ્યું કે આસામ એવા સુધારાઓ સાથે આગળ વધી રહ્યું છે જે સમાજને મજબૂત બનાવે, મહિલાઓને ન્યાય અપાવે, પરિવારોની સુરક્ષા વધારે અને વિવિધ સમુદાયો વચ્ચે એકતા પ્રોત્સાહિત કરે. સરમાએ વધુમાં કહ્યું કે આસામ વિધાનસભામાં UCC બિલ પાસ થવું રાજ્યના ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે દાવો કર્યો કે આ પગલાથી ભારતના બંધારણ નિર્માતાઓની ઇચ્છા પણ પૂર્ણ થઈ છે.
આ પણ વાંચો: રાફેલથી પણ શક્તિશાળી બનશે ભારતનું AMCA : દુશ્મનના રડારમાં નહીં આવે આ ફાઇટર જેટ
શું છે સમાન નાગરિક સંહિતા?
સમાન નાગરિક સંહિતા એટલે કે UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસાગત હક, ભરણપોષણ અને પરિવાર સંબંધિત કાયદાઓ તમામ ધર્મના લોકો માટે સમાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલ ભારતમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ કાયદાઓ અમલમાં છે. UCCનો મુખ્ય હેતુ તમામ નાગરિકો માટે સમાન કાનૂની વ્યવસ્થા ઉભી કરવાનો છે. ભારતીય બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે લાંબા સમયથી આ મુદ્દો રાજકીય અને સામાજિક ચર્ચાનો કેન્દ્ર રહ્યો છે.
આ પણ વાંચો: CM રેખા ગુપ્તાની ખુરશી કેમ થઈ રહી છે વાયરલ? : કિંમત અને ફીચર્સના દાવા જોઈને થઈ જશો આશ્ચર્યચકિત
વિરોધ પક્ષે ઉઠાવ્યા સવાલ
આસામ વિધાનસભામાં સત્તાપક્ષના નેતાઓ UCCને સમાજ માટે લાભદાયક ગણાવી રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષ સતત તેનો વિરોધ કરી રહ્યો છે. કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા વાજેદ અલી ચૌધરીએ સવાલ ઉઠાવતા કહ્યું કે બિલમાં જે મુદ્દાઓનો સમાવેશ થયો છે તે પહેલાથી જ અલગ-અલગ કાયદાઓ હેઠળ અમલમાં છે.
તેમણે જણાવ્યું કે બાળલગ્ન, બહુવિવાહ, લગ્ન અને છૂટાછેડાનું રજિસ્ટ્રેશન, ભરણપોષણ સહિતના મુદ્દાઓ માટે પહેલેથી કાયદા હાજર છે, તો પછી નવા UCCની જરૂર શા માટે પડી તે પ્રશ્ન ઉભો થાય છે. વિરોધ પક્ષે આ બિલને રાજકીય એજન્ડા ગણાવી સરકાર પર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો: રાશન વ્યવસ્થામાં સરકારના 3 મોટા સુધારા : 80 કરોડ લોકોને મળશે સીધો લાભ
મહિલાઓના અધિકારો પર સરકારનો ભાર
સત્તારૂઢ NDA સરકારનો દાવો છે કે UCCથી ખાસ કરીને મહિલાઓને વધુ ન્યાય મળશે. સરકાર મુજબ અલગ-અલગ ધાર્મિક કાયદાઓમાં મહિલાઓને સમાન હક ન મળતા હોવાના મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. સરકારનું કહેવું છે કે એકસરખા કાયદાથી મહિલાઓના હકો વધુ મજબૂત બનશે અને સમાજમાં કાનૂની સમાનતા વધશે.
ઉત્તરાખંડ અને ગુજરાત બાદ આસામનું નામ
આસામ પહેલાં ઉત્તરાખંડ અને ગુજરાત UCC અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લઈ ચૂક્યા છે. હવે આસામ ત્રીજું રાજ્ય બનતા દેશવ્યાપી રાજકીય ચર્ચા વધુ તેજ બની શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આવનારા સમયમાં અન્ય BJP શાસિત રાજ્યોમાં પણ UCC મુદ્દે ચર્ચા અને કાયદાકીય પ્રક્રિયા આગળ વધી શકે છે.
દેશવ્યાપી રાજકીય ચર્ચા ફરી તેજ
UCCનો મુદ્દો લાંબા સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય રહ્યો છે. એક તરફ તેને સમાનતા અને આધુનિક કાયદાકીય વ્યવસ્થાની દિશામાં પગલું માનવામાં આવે છે, તો બીજી તરફ કેટલાક સંગઠનો અને વિરોધ પક્ષો તેને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા મુદ્દા તરીકે જોવે છે. આસામમાં બિલ પાસ થયા બાદ હવે રાષ્ટ્રીય સ્તરે ફરી રાજકીય ચર્ચા અને પ્રતિક્રિયાઓ વધવાની શક્યતા છે.





