2029 Election: તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ 2029ની સામાન્ય ચૂંટણીને લઈને એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નારા લોકેશે જાહેરાત કરી છે કે, 2029ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પાર્ટી 33 ટકા બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખશે. મહાનાડુ સંમેલનમાં કરવામાં આવેલી આ જાહેરાતને મહિલાઓના રાજકીય સશક્તિકરણ તરફનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
2029માં મહિલાઓને 33% બેઠકો આપવાનો TDPનો નિર્ણય નારા લોકેશે પોતાના પ્રથમ સત્તાવાર સંબોધનમાં જણાવ્યું હતું કે, પાર્ટી માત્ર વચનો આપતી નથી પરંતુ મહિલાઓને રાજકારણમાં મજબૂત સ્થાન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કેન્દ્ર સરકારનું મહિલા અનામત બિલ સમગ્ર દેશમાં લાગુ થાય કે ન થાય, TDP પોતાના વચન મુજબ મહિલાઓને 33 ટકા ટિકિટ આપશે. તેમણે કહ્યું કે, દેશને વધુ મહિલા નેતાઓ, ધારાસભ્યો અને નીતિ નિર્માતાઓની જરૂર છે અને આગામી સમયમાં ભારતીય રાજકારણમાં મહિલા નેતૃત્વનો નવો યુગ જોવા મળશે.
મહિલાઓ માત્ર યોજનાઓની લાભાર્થી નહીં, નિર્ણયકર્તા પણ બને: નારા લોકેશ
નારા લોકેશે પોતાના ભાષણમાં કહ્યું કે મહિલાઓને માત્ર સરકારી કલ્યાણ યોજનાઓના લાભાર્થી તરીકે નહીં જોવી જોઈએ, પરંતુ તેઓ શાસન અને નિર્ણય પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે જરૂરી છે.
તેમણે વિરોધ પક્ષો પર આક્ષેપ કરતા કહ્યું કે, ઘણા રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ સત્તામાં આવ્યા બાદ વચનો ભૂલી જાય છે. તેમણે NDA સરકાર દ્વારા લાવવામાં આવેલા મહિલા અનામત બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું.
NTR અને ચંદ્રબાબુ નાયડુના મહિલા સશક્તિકરણ મોડલનો ઉલ્લેખ
નારા લોકેશે TDPના સ્થાપક એન.ટી. રામારાવ (NTR) અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળને યાદ કરતાં જણાવ્યું કે, બંને નેતાઓએ મહિલાઓના સશક્તિકરણ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા હતા. તેમણે જણાવ્યું કે, NTRના સમયમાં મહિલાઓને સમાન મિલકત અધિકાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અનામત અને મહિલાઓ માટે ખાસ પદ્માવતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે ચંદ્રબાબુ નાયડુએ શિક્ષણ અને રોજગારમાં મહિલાઓ માટે 33 ટકા અનામત, DWCRA જૂથો અને દીપમ જેવી યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
YSRCP પર નારા લોકેશના આકરા પ્રહાર
પોતાના ભાષણ દરમિયાન નારા લોકેશે વિરોધ પક્ષ YSRCP અને તેના નેતૃત્વ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિરોધ પક્ષના જૂના સૂત્ર ‘Why Not 175’ની મજાક ઉડાવતા હવે તેને ‘ટીમ-11’ તરીકે સંબોધિત કર્યું હતું. આ સાથે જ તેમણે YSRCP પ્રમુખ વાય.એસ. જગન મોહન રેડ્ડીને વિકાસ, કલ્યાણ અને રાજ્યના ભવિષ્યના મુદ્દાઓ પર જાહેર ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર પણ આપ્યો હતો.
2024ની જીતનો ઉલ્લેખ, વિકાસના મોડલ પર ભાર
નારા લોકેશે 2024ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની જીતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, TDPની આગેવાની હેઠળના ગઠબંધને 164 બેઠકો જીતીને 94 ટકા સ્ટ્રાઈક રેટ નોંધાવ્યો હતો.
તેમણે દાવો કર્યો કે, આર્થિક પડકારો હોવા છતાં સરકાર ખેડૂતો, માછીમારો અને વણકરો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સાથે જ રાજ્યમાં AI, ક્વોન્ટમ ટેકનોલોજી અને ફાઇટર જેટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણ આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે.





