એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ' એલ્યુમ્ની (ASSA) દ્વારા અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.
ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, "SPIPA ની ઉજ્જવળ યાત્રા એક અભૂતપૂર્વ પડાવે પહોંચી છે. એક પછી એક આગવી સિદ્ધિ હાંસલ કરીને SPIPA એ ગુજરાતના યુવાનોને સિવિલ સર્વિસ પસંદ કરવાની ઉમદા પ્રેરણા આપી છે. આ વર્ષે ગુજરાતમાંથી અત્યાર સુધીના સૌથી વધુ ૨૬ યુવાનો UPSC સિવિલ સર્વિસિસમાં ઉત્તીર્ણ થયા છે, જેણે સાબિત કરી દીધું છે કે, ‘ગુજરાત કેન ડુ એન્ડ ગુજરાતી કેન ડુ’." તેમણે ઉમેર્યું કે, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાજનેતાઓ સાથે બ્યુરોક્રેટ્સના શિરે પણ છે. પ્રશાસનના મજબૂત આધાર સ્તંભ એવા સનદી અધિકારીઓ સરકારની નીતિઓને ધરાતલ ઉપર સાકાર કરે છે.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, "સિવિલ સર્વિસિસની તૈયારીના ઉતાર-ચઢાવ વચ્ચે પ્રેરણાની જરૂર રહે છે અને સ્પીપા ગુજરાતના યુવાનો માટે માર્ગદર્શકની સાથે પ્રેરકની ભૂમિકા પણ ભજવી રહ્યું છે.તેમણે સ્પીપાના ડી.જી. હરિત શુક્લાના નિર્દેશનમાં ચાલતી ઉત્કૃષ્ટ કામગીરી અને સતીશ પટેલ જેવા પાયાના અધિકારીઓના યોગદાનને બિરદાવ્યું હતું.






