Home Gujarat Arjun Modhwadia Statement Gir Lion Death Babesia Virus

ગુજરાતમાં સિંહોના મૃત્યુ અંગે સરકારની સ્પષ્ટતા : વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ આપ્યું શું કારણ

અર્જૂન મોઢવાડિયા
Published by: Chintan Chavda
Last Updated: May 26, 2026, 09:09 AM IST

ગીર જંગલમાં સિંહોના મૃત્યુ અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્ચે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે ગીર વિસ્તારમાં થયેલા તમામ સિંહોના મોત બેબીસિયા વાયરસના કારણે થયા હોવાનું માનવું યોગ્ય નથી અને અત્યાર સુધી માત્ર બે સિંહોના મોતમાં જ બેબીસિયા વાયરસની શંકા સામે આવી છે.

વનમંત્રીના જણાવ્યા મુજબ બાકીના સિંહોના મોત અન્ય કારણોસર થયા છે, જેમાં માનવ-વન્યજીવ સંઘર્ષ (કોન્ફ્લિક્ટ) અથવા અન્ય સ્વાભાવિક પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર અને વન વિભાગ સમગ્ર મામલાને ગંભીરતાપૂર્વક લઈ સિંહોના આરોગ્ય પર સતત નજર રાખી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

બેબીસિયા વાયરસ અંગે શું કહ્યું?

અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું કે બેબીસિયા વાયરસ મુખ્યત્વે પશુઓમાં ‘ઈતરડી’ નામની જીવાત દ્વારા ફેલાતો રોગ છે. આ વાયરસના સંક્રમણથી સિંહોમાં નબળાઈ, નાકમાંથી પ્રવાહી નીકળવું, ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર પરિસ્થિતિમાં આ રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ગુજરાતના સાવજ પર સૌથી મોટું સંકટ: શું માણસોને પણ છે સંક્રમણનો ખતરો? જાણો કેટલો ઘાતક છે આ વાયરસ

તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ વન વિભાગ અને નિષ્ણાત વેટરનરી તબીબોની ટીમો સક્રિય રીતે મેદાનમાં કાર્યરત છે અને શંકાસ્પદ સિંહોની ઓળખ, સેમ્પલિંગ અને સારવારની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. સાથે જ સિંહોમાંથી ઈતરડી દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે જેથી વાયરસનો વધુ પ્રસાર અટકાવી શકાય.

વન વિભાગ હાઈ એલર્ટ પર

ગીરમાં સિંહોના આરોગ્યને લઈને વન વિભાગ સંપૂર્ણ સતર્ક હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. શંકાસ્પદ લક્ષણો ધરાવતા સિંહોને અલગ રાખીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. વેટરનરી ડોક્ટરોની વિશેષ ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. વન વિભાગ દ્વારા વિવિધ રેન્જમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને સંક્રમણની શક્યતા ધરાવતા વિસ્તારોમાં સેમ્પલિંગની કામગીરી તેજ કરવામાં આવી છે.

‘ગીરના સિંહો ગુજરાતનું ગૌરવ’

વનમંત્રી અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું કે ગીરના એશિયાટિક સિંહો ગુજરાત માટે માત્ર વન્યજીવ નથી, પરંતુ રાજ્યના ગૌરવ, વારસા અને લાગણીનું પ્રતિક છે. તેમણે દાવો કર્યો કે ગુજરાતની સિંહ સંરક્ષણ વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં મોડલ તરીકે ઓળખાય છે અને રાજ્ય સરકાર આ અનમોલ ધરોહરના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે સિંહોના મેનેજમેન્ટ અને સંરક્ષણ માટે ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં સફળ કામગીરી કરી છે, જેના કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ગીરના જંગલમાં આ શું થઈ રહ્યું છે?: એક પછી એક, 8 થી વધુ સિંહો મોતને ભેટ્યા

અગાઉ પણ સામે આવી ચૂક્યો હતો ખતરો

ગીર વિસ્તારમાં અગાઉ પણ સીડીવી (Canine Distemper Virus) અને બેબીસિયા જેવા રોગચાળાને કારણે સિંહોના મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. વર્ષ 2018માં સીડીવી વાયરસના કારણે અનેક સિંહોના મોત થયા બાદ સમગ્ર દેશનું ધ્યાન ગીર તરફ ખેંચાયું હતું.

તે બાદ વન વિભાગે સિંહોના આરોગ્ય મોનિટરિંગ, વેટરનરી સુવિધાઓ અને રોગચાળો નિયંત્રણ માટે અનેક પગલાં લીધા હતા. હાલની સ્થિતિમાં પણ વિભાગ સતત મોનિટરિંગ અને પ્રિવેન્શન પર ભાર મૂકી રહ્યો છે.

સરકારની અપીલ: ગભરાવાની જરૂર નથી

વનમંત્રીના જણાવ્યા મુજબ હાલ એવી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી કે જેના કારણે મોટા પાયે ચિંતા કરવાની જરૂર પડે. તેમણે જણાવ્યું કે વન વિભાગ સંપૂર્ણ તૈયારી સાથે કામગીરી કરી રહ્યો છે અને બેબીસિયા વાયરસને નિયંત્રણમાં રાખવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

હાલ ગીરના સિંહોના આરોગ્ય પર રાજ્ય સરકાર, વન વિભાગ અને વેટરનરી નિષ્ણાતોની ખાસ નજર છે અને આગામી દિવસોમાં વધુ સેમ્પલિંગ તથા મોનિટરિંગની કામગીરી ચાલુ રહેશે.

સિંહોના મોત અંગે ગુજરાત સરકારના વન વિભાગની સ્પષ્ટતા

સિંહને કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર આપી આઇસોલેટ કરી દેવામાં આવે છે. જેથી કરીને બીજા કોઇ સિંહને કોઇપણ પ્રકારનું જોખમ કે સંક્રમણ ન ઉભું થાય. બે બાળ સિંહના જ ન્યુમોનિયાથી મોત નિપજ્યાં છે. સિંહની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ રોગ વધુ લાગુ પડે છે. અન્ય 2 સિંહના કુદરતી મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એક સિંહનું ઇનફાઇટમાં મૃત્યુ નિપજ્યું છે. હાલ સિંહોમાં બેબીસિયા રોગચાળાની વાતને પણ વન વિભાગ દ્વારા નકારી કાઢવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now