Home Gujarat Gujarat High Court Jamnagar Marine Sanctuary Pollution Tata Chemicals Order

પર્યાવરણ સાથે ચેડાં નહીં ચાલે! : જામનગર મરીન સેન્ચ્યુરીને 'કાળા રણ'માં ફેરવી દેનાર ટાટા કેમિકલ્સને હાઈકોર્ટનો ઝટકો, આપ્યો આવો આદેશ

Jamnagar Marine Sanctuary Pollution
Published by: Nirali Gohil
Last Updated: May 26, 2026, 09:44 AM IST

અમદાવાદ: પર્યાવરણની જાળવણી અને ઇકોલોજીકલ બેલેન્સ માટે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવતા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જામનગરની મરીન સેન્ચ્યુરી વિસ્તારમાં ટાટા કેમિકલ્સ દ્વારા વર્ષોથી છોડવામાં આવતા ઝેરી કેમિકલ વેસ્ટ મામલે કોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે અત્યંત ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, કંપનીની બેદરકારીને કારણે આ સુંદર મરીન સેન્ચ્યુરી વિસ્તાર હવે 'કાળા રણ'માં ફેરવાઈ ગયો છે, જેનાથી જૈવવિવિધતાને અપરિમિત નુકસાન પહોંચ્યું છે.

કોર્ટે ટાટા કેમિકલ્સ(Tata Chemicals)ને ગેરકાયદે દબાણકર્તા ગણાવીને તેમની પર પર્યાવરણીય વળતર વસૂલવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, હાઈકોર્ટે કંપનીની સ્ટે અરજીને ફગાવી દેતા, જ્યાં સુધી નવી પાઇપલાઇન કાર્યરત ન થાય ત્યાં સુધી ઉદ્યોગનો પ્લાન્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી પર્યાવરણને નુકસાન પહોંચાડતી અન્ય કંપનીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

પર્યાવરણીય નુકસાનનું આકલન કરવા GPCBને આદેશ

હાઈકોર્ટે આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને કડક સૂચના આપી છે. કોર્ટે બોર્ડને નિર્દેશ આપ્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યાવરણને જે ગંભીર નુકસાન પહોંચ્યું છે તેનું વૈજ્ઞાનિક પદ્ધતિએ આકલન (Assessment) કરીને આગામી ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ રિપોર્ટના આધારે જ કંપની પાસેથી કેટલું વળતર વસૂલવું તેનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: સુરત પોલીસે MD ડ્રગ્સ સાથે 3 આરોપીને ઝડપ્યા: કુલ ₹6.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, જાણો કેવી રીતે ઝડપાયા આરોપીઓ

તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ

હાઈકોર્ટે સ્થાનિક કલેક્ટર અને GPCB ના અધિકારીઓને તાત્કાલિક અસરથી પ્રદૂષણ રોકવા માટેના પગલાં લેવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પ્રદૂષણ અટકાવવા માટે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી અને આગળનું પ્લાનિંગ શું છે, તેનો વિગતવાર રિપોર્ટ ત્રણ અઠવાડિયામાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. ન્યાયતંત્રના આ કડક વલણ બાદ હવે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.

આગામી સુનાવણી 17 જૂને

ટાટા કેમિકલ્સ દ્વારા આ મામલે રાહત મેળવવા માટે સ્ટે અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટના આ કડક વલણના કારણે પ્લાન્ટના સંચાલન પર સીધી અસર પડી છે. હાલ આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં ગંભીરતાથી સુનાવણી ચાલી રહી છે અને આગામી સુનાવણી ૧૭ જૂને નક્કી કરવામાં આવી છે. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહીશો માટે આ ચુકાદો એક મોટી જીત સમાન માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now