સુરત પોલીસ દ્વારા “No Drug In Surat City” અભિયાન હેઠળ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાંથી MD ડ્રગ્સનું વેચાણ કરતા 3 આરોપીને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને સ્કોર્પિયો કાર સહિત કુલ ₹6.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે કઠોરગામ બસ સ્ટેશન રોડ વિસ્તારમાં કેટલાક શખ્સો સ્કોર્પિયો કારમાં બેસીને પ્રતિબંધિત ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી રેડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન ત્રણેય આરોપીઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા : મહેસાણાની મહિલાને ગોળી મારી મોતને ઘાટ ઉતારાઈ
8.74 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 8.74 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું જેની અંદાજિત કિંમત ₹87,400 હોવાનું જણાવાયું છે. ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને એક સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. કુલ મળીને પોલીસે ₹6,18,190નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ શહેરમાં ડ્રગ્સ સપ્લાય અને વેચાણના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેમજ કોને સપ્લાય કરતા હતા તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાના તાંદલજામાં લોહીયાળ જંગ : એક જ પક્ષના બે જૂથો બાખડ્યા, એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
“No Drug In Surat City” અભિયાન હેઠળ સતત કાર્યવાહી
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને સપ્લાય સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “No Drug In Surat City” અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત દરોડા અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે યુવાનોમાં વધતી નશાની લતને રોકવા માટે ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડવી અત્યંત જરૂરી બની ગઈ છે. ખાસ કરીને MD ડ્રગ્સ જેવા સિન્થેટિક નશીલા પદાર્થો શહેરોમાં ઝડપથી ફેલાઈ રહ્યા હોવાના કારણે પોલીસ વધુ સક્રિય બની છે.
આ પણ વાંચો: વાપીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : ATS-SOGના દરોડામાં લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
તાજેતરના સમયમાં સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં MD ડ્રગ્સના કેસોમાં વધારો નોંધાયો છે. પોલીસ અને એજન્સીઓ દ્વારા અનેક વખત મોટા જથ્થામાં મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. હાલ સુરત પોલીસ આરોપીઓના નેટવર્ક અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





