Home Gujarat Surat Surat Ring Road Child Attacked By Stray Dogs

સુરતમાં રખડતા શ્વાનનો આતંક, માસૂમ બાળક પર કર્યો હુમલો : મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલો

રખડતા શ્વાનોની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 25, 2026, 11:00 AM IST

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક હવે ગંભીર અને ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સતત વધી રહેલા શ્વાન હુમલાના બનાવો વચ્ચે હવે રિંગરોડ વિસ્તારમાં બનેલી ઘટનાએ લોકોમાં ભારે ભય અને રોષ ફેલાવ્યો છે. તિરુપતિ માર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાના માસૂમ બાળક પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી તિરુપતિ માર્કેટમાં એક મહિલા પોતાના બાળક સાથે ખરીદી કરવા માટે આવી હતી. આ દરમિયાન બાળક માતાથી થોડું દૂર ગયું હતું ત્યારે અચાનક ત્રણથી ચાર રખડતા શ્વાન બાળક તરફ દોડી આવ્યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શ્વાનના હુમલાથી માર્કેટ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. બાળક પર હુમલો થતાં આસપાસ હાજર વેપારીઓ અને સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ લાકડાં અને હાથમાં આવેલી અન્ય વસ્તુઓ વડે શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ બાળકને શ્વાનના ચંગુલમાંથી બચાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં સત્તા માટે ભાજપની 'તાનાશાહી' : ચૈતર વસાવાએ દાહોદની ઘટના અંગે કર્યા આકરા પ્રહાર

બાળકને ગંભીર ઈજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

હુમલામાં બાળકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના તરત બાદ બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ બાળકની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: 'લવ ગુરુ' બ્લેકમેલિંગ ગેંગનો સાગરીત ઝડપાયો : સોશિયલ મીડિયા મારફતે જ્યોતિષના નામે મહિલાઓને ટાર્ગેટ કરાતી

મનપા સામે લોકોમાં આક્રોશ

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ સુરત મહાનગરપાલિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. લોકોનો આક્ષેપ છે કે અનેક ફરિયાદો છતાં રખડતા શ્વાનના નિયંત્રણ માટે કોઈ અસરકારક અને કાયમી પગલાં લેવામાં આવી રહ્યા નથી.

લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાન મુદ્દે માર્ગદર્શિકા આપવામાં આવી હોવા છતાં શહેરમાં સ્થિતિ યથાવત છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં શહેરના અનેક વિસ્તારોમાં શ્વાન હુમલાના કેસોમાં વધારો નોંધાયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

થોડા દિવસો અગાઉ રામપુરા વિસ્તારમાં પણ રખડતા શ્વાનના ટોળાએ બકરાઓ પર હુમલો કરી અનેક બકરાઓને મારી નાખ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. હવે માસૂમ બાળક પર હુમલાની ઘટનાએ લોકોમાં વધુ ડર અને ગુસ્સો ઉભો કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર અને Meta વચ્ચે ઐતિહાસિક MoU! : એક જ WhatsApp નંબર પરથી મળશે અનેક સરકારી સેવાઓ, જાણો સંપૂર્ણ માહિતી

ખાસ અભિયાન ચલાવવાની માંગ

વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ માર્કેટ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ ચલાવી રખડતા શ્વાનને પકડવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અને જાનલેણ ઘટનાઓ બની શકે છે.

પશુપ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો વચ્ચે પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. એક તરફ લોકો જાહેર સુરક્ષા માટે કડક પગલાંની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રત્યે માનવતાપૂર્વક વ્યવહાર જળવાઈ રહે તે મુદ્દે પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે શહેરમાં વધતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now