ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં સીડીવી (Canine Distemper Virus) અને બેબસિયા જેવા ભેદી રોગચાળાના કારણે 8 થી વધુ સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. વર્ષો બાદ ફરી એકવાર આ ઘાતક બીમારીઓની એન્ટ્રી થતા સમગ્ર વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે.
વન વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ ગીર વિસ્તારમાં અત્યાર સુધીમાં 3 સિંહબાળ અને 5 પુખ્ત સિંહોના મોત નોંધાયા છે. સિંહોમાં અસામાન્ય લક્ષણો જોવા મળતા વિવિધ રેન્જમાં સતત મોનિટરિંગ અને સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ અને પશુચિકિત્સકોની ટીમો સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સતત મેદાનમાં કામગીરી કરી રહી છે.
સરસિયા રેન્જમાંથી સિંહોના જૂથનું રેસ્ક્યુ
ધારીના સરસિયા રેન્જમાં એક સિંહોના જૂથમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કુલ 8 સિંહોને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વન વિભાગના અધિકારીઓ મુજબ બેબસિયા અને સીડીવી જેવા રોગોમાં શરૂઆતમાં સિંહોમાં નબળાઈ, ખોરાકમાં રસ ઘટવો, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળતા હોય છે. આવા લક્ષણો ધરાવતા સિંહોને અલગ પાડી સારવાર અને સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ગીરના અલગ-અલગ વિસ્તારોમાં મોત
ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ અને ગીર ગઢડા બોર્ડર વિસ્તારમાં એક જ દિવસમાં બે સિંહોના મોત નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ગીર પશ્ચિમની બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ બે કરતાં વધુ સિંહોના મોત થયા છે.
લીલીયા રેન્જમાં એક સિંહબાળ, સાવરકુંડલા રેન્જમાં એક સિંહબાળ અને સરસિયા રેન્જમાં વધુ એક સિંહબાળના મોત થતા વન વિભાગમાં ચિંતા વધી છે. હાલ વિવિધ રેન્જોમાં સિંહોના જૂથોને અલગ કરીને તેમની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
નર્મદામાં યુવાનોની અનોખી પહેલ: કુદરતી સૌંદર્યને બચાવવા શરૂ કર્યું 'પ્લાસ્ટિક મુક્ત' અભિયાન, 'સ્વચ્છ નર્મદા'નો આપ્યો સંદેશ
અગાઉ પણ ગીર માટે ઘાતક સાબિત થઈ હતી આ બીમારી
ગીર જંગલ માટે સીડીવી અને બેબસિયા જેવા રોગો અગાઉ પણ ભારે ખતરો બની ચૂક્યા છે. વર્ષ 2018માં દલખાણીયા રેન્જમાં સીડીવી વાયરસના કારણે 29થી વધુ સિંહોના મોત થયા હતા. તે સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં ગીરના સિંહોની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાને લઈને ચિંતાઓ વ્યક્ત થઈ હતી.
તે બાદ 2020 અને 2021 દરમિયાન ધારી, ખાંભા અને આસપાસના ગીર વિસ્તારોમાં બેબસિયા રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં 10થી વધુ સિંહોના મોત નોંધાયા હતા. ગયા વર્ષે સિંહ ગણતરી બાદ ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં પણ બીમારીને કારણે 15થી વધુ સિંહોના મોત થયાની માહિતી સામે આવી હતી.
વન વિભાગ હાઈ એલર્ટ પર
હાલ સમગ્ર ગીર વિસ્તારમાં વન વિભાગ દ્વારા વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે. અશક્ત અને બીમાર દેખાતા સિંહોને પકડીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. સિંહોના જૂથોને પાંજરામાં લઈ એનિમલ ડોક્ટરો દ્વારા સતત મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે.
વન વિભાગ દ્વારા સેમ્પલિંગ પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે જેથી રોગચાળાનું મૂળ અને ફેલાવાનો વ્યાપ જાણી શકાય. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સીડીવી વાયરસ કૂતરાઓ અને અન્ય પ્રાણીઓમાંથી ફેલાઈ શકે છે, જ્યારે બેબસિયા ટિક્સ દ્વારા ફેલાતો પરજીવીજન્ય રોગ માનવામાં આવે છે.
અમદાવાદમાં યુવતીને બ્લેકમેલ કરીને સામૂહિક શોષણ: બે આરોપીઓ ઝડપાયા
ગીરના સિંહો માટે વધતી ચિંતા
એશિયાટિક સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારમાં જ જોવા મળતા હોવાથી કોઈપણ રોગચાળો સમગ્ર પ્રજાતિ માટે ગંભીર ખતરો બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં વધતી વસ્તી સાથે સંક્રમણજન્ય રોગોનું જોખમ પણ વધી રહ્યું હોવાનું વન્યજીવન નિષ્ણાતો માની રહ્યા છે.
વન વિભાગ હવે ગીરના કોર અને બફર વિસ્તારોમાં વિશેષ સર્વેલન્સ, ડ્રોન મોનિટરિંગ અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન પર ભાર મૂકી રહ્યું છે જેથી વધુ સિંહોને બચાવી શકાય.






