આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં આજે વહેલી સવારે મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. લાઇનિયર્સ રેલ્વે સ્ટેશન નજીક ધીમી ગતિએ ચાલતી સરમિએન્ટો લાઇનની પેસેન્જર ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેનના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રીતે સમગ્ર રૂટ પર ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઇન્ટરલોકિંગ સિસ્ટમની ખામી બની કારણ
રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇન્ટરલોકિંગ સિસ્ટમ ટ્રેક સ્વીચો અને સિગ્નલ નિયંત્રિત કરે છે. પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે કે ટેક્નિકલ ફોલ્ટને કારણે ટ્રેક સ્વીચ યોગ્ય રીતે કાર્ય કરી શક્યા નહીં, જેના પરિણામે ટ્રેનના પૈડા પાટા પરથી સરકી ગયા અને કોચ ડિરેઇલ થયા.
આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ટ્રેન ધીમી ગતિએ આગળ વધતી દેખાય છે અને પછી અચાનક ઝટકાથી પાટા પરથી ઉતરી જાય છે.
મુસાફરોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
અકસ્માત બાદ ટ્રેનમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ઘણા મુસાફરો કોચની અંદર ફસાઈ ગયા હતા, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમને બોલાવવામાં આવી હતી. બધા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રેલ્વે તંત્રએ જણાવ્યું છે કે 9 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 11 લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
રેલ સેવાઓ તાત્કાલિક બંધ
દુર્ઘટના પછી કાસ્ટેલર અને મોરેના સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. રેલ્વે એજન્સી ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરી ચૂકી છે, અને ટેક્નિકલ ટીમો ઇન્ટરલોકિંગ સિસ્ટમની ખામી શોધવા માટે કામ કરી રહી છે.
સ્થાનિક પ્રશાસન મુજબ, હાલમાં સ્થિતિ કાબૂમાં છે અને મુસાફરોને કોઈ વધુ જોખમ નથી.




















