સ્માર્ટફોન માર્કેટમાં Foldable ડિવાઇસનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે અને હવે Apple પણ આ રેસમાં જોડાવા તૈયાર છે. ઘણા સમયથી ચર્ચામાં રહેલો Appleનો પહેલો Foldable iPhone હવે 2026માં લોન્ચ થઈ શકે છે. પરંતુ સૌથી મોટી ચર્ચા તેના નામને લઈને છે, શું તે iPhone Fold તરીકે આવશે કે iPhone Ultra તરીકે?
2026 લોન્ચ માટે તૈયારી: શું કહે છે રિપોર્ટ્સ?
મળતી માહિતી મુજબ Apple સપ્ટેમ્બર 2026ના તેના ખાસ ઈવેન્ટમાં આ Foldable iPhone રજૂ કરી શકે છે. વેચાણ વર્ષના અંત સુધી શરૂ થવાની શક્યતા છે. સપ્લાય ચેઇન રિપોર્ટ્સ અનુસાર Samsung Display આ ડિવાઇસ માટે જુલાઈ 2026થી ડિસ્પ્લે પેનલ સપ્લાય શરૂ કરી શકે છે. જો કે થોડી મોડાશીની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ લોન્ચ ટાઇમલાઇન લગભગ નક્કી માનવામાં આવે છે.
પ્રીમિયમ ડિઝાઇન અને મોટું ડિસ્પ્લે
આ નવા Foldable iPhoneમાં લગભગ 7.8 ઇંચનું ઇનર ડિસ્પ્લે અને 5.3 ઇંચનું આઉટર ડિસ્પ્લે મળવાની શક્યતા છે. ફોન ખોલ્યા પછી તેનો અનુભવ નાના ટેબ્લેટ જેવો હોઈ શકે છે. ડિઝાઇનની વાત કરીએ તો આ ફોન ખૂબ જ પાતળો હશે અનફોલ્ડ સ્થિતિમાં લગભગ 5.6mm અને ફોલ્ડ સ્થિતિમાં આશરે 11mm જાડાઈ રહી શકે છે. Apple હાઇ-ક્વોલિટી હિન્જ મિકેનિઝમનો ઉપયોગ કરી શકે છે, જેનાથી સ્ક્રીન પર દેખાતી ક્રીજ ખૂબ ઓછી રહેશે. આ તેને અન્ય Foldable ફોન કરતાં વધુ સ્મૂથ અને પ્રીમિયમ અનુભવ આપશે.
કેમેરા અને પરફોર્મન્સમાં પણ મોટી અપગ્રેડ
લીક્સ અનુસાર આ ડિવાઇસમાં 48MPનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. સેલ્ફી માટે આઉટર સ્ક્રીન પર પંચ-હોલ કેમેરા અને ઇનર સ્ક્રીનમાં અંડર-ડિસ્પ્લે કેમેરાની શક્યતા છે. સિક્યુરિટી માટે Face IDની જગ્યાએ Touch ID આપવાની ચર્ચા ચાલી રહી છે. પરફોર્મન્સ માટે તેમાં Appleનો નવો A20 ચિપસેટ, 12GB RAM અને એડવાન્સ મોડેમ મળશે. સાથે જ નવા iOS વર્ઝનમાં સુધારેલ મલ્ટીટાસ્કિંગ ફીચર્સ મળશે, જે યુઝરને ટેબ્લેટ જેવી અનુભૂતિ આપશે.
કિંમત: સૌથી મોંઘો iPhone બની શકે છે
આ Foldable iPhoneની કિંમત પણ તેની ચર્ચાનું મોટું કારણ છે. એક્સપર્ટ્સ મુજબ તેની શરૂઆતની કિંમત 2000 થી 2500 ડોલર વચ્ચે હોઈ શકે છે. ભારતમાં તેની કિંમત અંદાજે ₹1.8 લાખથી શરૂ થઈ શકે છે અને ટોપ વેરિઅન્ટ માટે આથી પણ વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. આથી સ્પષ્ટ છે કે આ ડિવાઇસ પ્રીમિયમ સેગમેન્ટને ટાર્ગેટ કરશે.
આખરે નામ શું હશે?
હાલમાં સૌથી મોટો સવાલ એ જ છે કે Apple આ ડિવાઇસને શું નામ આપશે. iPhone Fold અને iPhone Ultra બંને નામ ચર્ચામાં છે. Apple અત્યાર સુધી નામને લઈને સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ બંનેમાંથી કોઈ એક નામ પસંદ થવાની સંભાવના છે. જે પણ નામ હોય, આ ડિવાઇસ કંપની માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.





