Home Gujarat Anand Mp Mitesh Patel Threatens To Stop Grant Manish Doshi Responds

ભાજપ સાંસદની 'ચીમકી' પર મનીષ દોશીનો પલટવાર : કહ્યું- "હારના ડરથી જનતાને ધમકાવવાનું બંધ કરો", "ચૂંટણી પંચ તુરંત કાર્યવાહી કરે"

Anand MP Mitesh Patel Manish Doshi Reaction
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 11:20 AM IST

Election Grant Controversy: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે એક મોટો વિવાદ છેડાયો છે. આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલે એક ચૂંટણી સભામાં વિકાસના નાણાં રોકી દેવાની ગંભીર ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે, જેના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર લોકશાહીના અપમાનનો આરોપ લગાવ્યો છે.

મિતેશ પટેલની ચીમકી: "વિકાસના કામો માટે ગ્રાન્ટ ભૂલી જજો"

આંકલાવમાં આયોજિત ભાજપની જાહેર સભામાં સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે સભાને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર જીતશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં." આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે સાંસદ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત હતા. લોકશાહીમાં વિકાસના કામો પક્ષપાત વગર થવા જોઈએ, તેના બદલે ગ્રાન્ટના નામે આપેલી આ ચીમકીથી મતદારોમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: કોંગ્રેસની સભા પૂર્વે મોટી દુર્ઘટના : વીજ પોલ પર લાઈટ ફિટ કરતા યુવકને જોરદાર કરંટ લાગ્યો, શક્તિસિંહની સભા રદ

મનીષ દોશીનો પલટવાર: "ભાજપના નેતાઓના ખિસ્સાના પૈસા નથી"

સાંસદ મિતેશ પટેલના આ નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વળતો પ્રહાર કરતા ભાજપને આડે હાથ લીધું હતું. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "ભાજપના સાંસદની આ ભાષા અત્યંત અહંકારી, અલોકશાહી અને બંધારણ વિરોધી છે. સાંસદ મિતેશ પટેલને ખબર હોવી જોઈએ કે તેઓ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ નથી આપતા. આ ગ્રાન્ટ અને તેમનો પગાર પણ પ્રજાના ટેક્સના પૈસામાંથી મળે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં આ પ્રકારનું બેજવાબદાર નિવેદન દર્શાવે છે કે ભાજપના નેતાઓ સત્તાના નશામાં ચૂર છે અને તેમને હવે હારનો ડર સતાવી રહ્યો છે. જનતાના આક્રોશને દબાવવા માટે ગ્રાન્ટ રોકવાની ધમકી આપીને મતદારોને ડરાવવાનો આ હીન પ્રયાસ છે.

ચૂંટણી પંચ સમક્ષ કાર્યવાહીની માંગ

આ મામલે મનીષ દોશીએ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે મતદારોને ભયભીત કરવા અને વિકાસના નાણાંનો ભય બતાવવા બદલ મિતેશ પટેલ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે જનતાને સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેમના તમામ સાંસદો આવી જ માનસિકતા ધરાવે છે?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now