Bhavnagar News: ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સભા શરૂ થાય તે પહેલા જ લાઈટ ફિટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવકને વીજ પોલ પર જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર હોવાનું જણાતા કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક અસરથી આજની સભા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કુંભારવાડા વિસ્તારમાં યોજાનારી આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સંબોધન કરવાના હતા. સભાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી અને સ્ટેજ તેમજ આસપાસના વિસ્તારમાં રોશની કરવા માટે વીજ પોલ પર લાઈટ લગાવવામાં આવી રહી હતી. તે દરમિયાન આરીફ નામનો યુવક થાંભલા પર ચડ્યો હતો અને અચાનક જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા તેને વીજ શોક લાગ્યો હતો અને તે નીચે પટકાયો હતો.
યુવકની હાલત ગંભીર: રીક્ષામાં હોસ્પિટલ ખસેડાયો
વીજ કરંટ લાગતાની સાથે જ આરીફ નામનો યુવક જમીનદોસ્ત થયો હતો. આસપાસ હાજર લોકો અને કોંગ્રેસના કાર્યકરો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ ગંભીર રીતે દાઝેલા યુવકને રિક્ષામાં બેસાડીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુવકના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: પોરબંદરમાં વિશ્વકર્મા સમાજનું એકતા સંમેલન : કૌશલ્ય અને પરંપરાને જોડવાની હાકલ
માનવતા દાખવી કોંગ્રેસે સભા કરી રદ
આ દુખદ ઘટના બાદ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મહત્વનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ કંટારીયાએ જણાવ્યું હતું કે, "આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન હતું. પરંતુ લાઈટ ફિટિંગ દરમિયાન એક સ્થાનિક રહિશને કરંટ લાગતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સ્થિતિમાં સભા યોજવી યોગ્ય નથી, તેથી અમે આજનો કાર્યક્રમ રદ કર્યો છે."
લાઇન ડાયરેક્ટ નહોતી, માત્ર ફિટિંગનું કામ ચાલતું હતું: કોંગ્રેસ
ઘટના બાદ એવી ચર્ચા પણ વહેતી થઈ હતી કે શું લાઇન ડાયરેક્ટ લેવામાં આવી રહી હતી? જોકે, કિશોર કંટારીયાએ સ્પષ્ટતા કરી હતી કે લાઇન ડાયરેક્ટ લેવામાં આવતી નહોતી. યુવક માત્ર લાઈટના ફિટિંગને વ્યવસ્થિત કરવા માટે ઉપર ચડ્યો હતો અને અચાનક આ દુર્ઘટના ઘટી હતી. હાલ પોલીસ પણ આ મામલે પ્રાથમિક તપાસ કરી રહી છે કે વીજ કરંટ કયા કારણોસર લાગ્યો.





