Amreli ST News: અમરેલી જિલ્લાના એસટી વિભાગમાં ફરજમાં બેદરકારી બદલ અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. બગસરા એસટી ડેપો હેઠળના રૂટ પર સર્જાયેલા એક ગંભીર અકસ્માતના મામલે અમરેલી એસટી વિભાગના નિયામક ભાવેશ પટેલે મોટી કાર્યવાહી કરી છે. બગસરા ડેપો મેનેજર નિમિષાબેન ગઢવી સહિત કુલ ત્રણ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એસટી નિગમના ઇતિહાસમાં ડેપો મેનેજર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવાની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે, જેને પગલે સમગ્ર એસટી વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ બગસરા-જૂનાગઢ-ખાંભા નાઇટ રૂટની બસને નડેલો અકસ્માત છે. એસટી નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને મુસાફરોના જીવ જોખમમાં મૂકવા બદલ તંત્રએ આ કડક વલણ અપનાવ્યું છે. ઉચ્ચ અધિકારી દ્વારા લેવાયેલા આ પગલાથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે ફરજમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં.
સ્ટીયરીંગની નટ ખુલી જતા સર્જાયો હતો અકસ્માત
ઘટનાની વિગતો મુજબ, થોડા દિવસો અગાઉ બગસરા-જૂનાગઢ-ખાંભા નાઇટ રૂટની એસટી બસ જૂનાગઢના સક્કરબાગ વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ચાલુ બસમાં સ્ટેરીંગની નટ અચાનક ખુલી ગઈ હતી, જેના કારણે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસના મેન્ટેનન્સમાં રાખવામાં આવેલી ઘોર બેદરકારી આ ઘટનામાં સ્પષ્ટપણે બહાર આવી હતી. મુસાફરોની સુરક્ષા સાથે થયેલા આ ચેડાંને એસટી નિયામકે ગંભીરતાથી લીધું છે.
આ પણ વાંચો: ભાજપના ગઢ વડોદરામાં ટિકિટ માટે પડાપડી : 76 બેઠકો માટે 1434 દાવેદારો મેદાને, જાણો કોનું પત્તું કપાશે?
ડેપો મેનેજર અને મિકેનિકલ ટીમ સામે કડક પગલાં
અકસ્માતની પ્રાથમિક તપાસ બાદ અમરેલી એસટી વિભાગના નિયામક ભાવેશ પટેલે જવાબદારો સામે કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે. આ કેસમાં માત્ર મિકેનિકલ સ્ટાફ જ નહીં, પરંતુ વહીવટી વડા તરીકે ડેપો મેનેજરને પણ જવાબદાર ગણવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા ત્રણ કર્મચારીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
નિમિષાબેન ગઢવી (ડેપો મેનેજર, બગસરા)
હેડ મિકેનિક
આર્ટન્સી મિકેનિક
એસટી વિભાગમાં પ્રથમવાર આવી મોટી કાર્યવાહી
એસટી નિગમમાં સામાન્ય રીતે નાના કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં ડેપો મેનેજર સહિત ત્રણ ઉચ્ચ અને તાકનીકી કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરવાની આ પ્રથમ ઘટના છે. એસટી નિયામકના મતે, આ અકસ્માતને કારણે નિગમની છબી ખરડાઈ છે અને મુસાફરોના વિશ્વાસને ઠેસ પહોંચી છે. આગામી સમયમાં અન્ય ડેપોમાં પણ મેન્ટેનન્સ અને સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી આ 'દાખલારૂપ' કાર્યવાહી કરવામાં આવી છે.






