Ahmedabad traffic diversion : અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કુલ 7 મેચો રમાવાની છે. જેમાં 4 એપ્રિલ (GT v/s RR), 17 એપ્રિલ (GT v/s KKR), 20 એપ્રિલ (GT v/s MI), 26 એપ્રિલ (GT v/s CSK), 30 એપ્રિલ (GT v/s RCB), 3 મે (GT v/s PBKS) અને 12 મે (GT v/s SRH) ના રોજ મેચો યોજાશે. આ દિવસોમાં સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે.
બંધ રહેનારા રસ્તાઓની વિગત
પોલીસ કમિશનરના આદેશ મુજબ, જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો અવર-જવરનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે. આ રસ્તો મેચના સમયે સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવશે જેથી ખેલાડીઓ અને VVIP લોકોની અવરજવરમાં કોઈ અડચણ ન આવે.
વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
ટ્રાફિકથી બચવા માટે વાહનચાલકો તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત, કૃપા રેસીડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
જાહેરનામાની સમયમર્યાદા
મેચના દિવસોમાં ટ્રાફિક પ્રતિબંધો બપોરે 14:00 કલાકથી રાત્રે 24:00 કલાક સુધી અને ત્યારબાદ મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. માત્ર 26 એપ્રિલના રોજ યોજાનારી મેચ માટે સવારે 10:00 થી રાત્રે 22:00 વાગ્યા સુધી આ નિયમો લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન ડાયવર્ઝનનો અમલ કડક રીતે કરવામાં આવશે.
રાહત અને દંડની જોગવાઈ
આ જાહેરનામું ફરજ પરના સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને લાગુ પડશે નહીં. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






