Ahmedabad Fire News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ત્રાગડ ગામ રોડ પર આવેલી જાણીતી 'ગ્રીન અલ્તેજા – રોયલ ફીનિક્સ' સોસાયટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના કાળા ગોટાળા કિલોમીટર દૂરથી પણ આકાશમાં સ્પષ્ટ જોઈ શકાતા હતા. રહેણાંક સોસાયટીમાં લાગેલી આ આગને પગલે સ્થાનિક રહીશો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આગ જોરદાર રીતે ફેલાઈ રહી છે અને સોસાયટીના ઉપરના માળ સુધી જ્વાળાઓ પહોંચી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તંત્રને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તાર હોવાથી જાનહાનિ ન થાય તે માટે હાલ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આગની જ્વાળાઓ અને ધુમાડાથી આખું આકાશ કાળું પડ્યું
ચાંદખેડાના ત્રાગડ રોડ પર આવેલી આ હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાની સાથે જ પવનને કારણે તે વધુ તેજ બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ લાગ્યાના ગણતરીના સમયમાં જ આખી બિલ્ડિંગના અમુક હિસ્સામાં કાળા ધુમાડા છવાઈ ગયા હતા. ધુમાડાના ગોટાળા એટલા પ્રચંડ હતા કે દૂર-દૂર સુધી રહેતા લોકોમાં પણ કુતૂહલ અને ભય પેદા થયો હતો. સોસાયટીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સ્થાનિક યુવાનોએ પણ મદદની કામગીરી શરૂ કરી દીધી હતી.
ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે: કાબૂ મેળવવા જહેમત
ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ અને વોટર ટેન્કરો તાત્કાલિક ગ્રીન અલ્તેજા સોસાયટી ખાતે પહોંચી ગયા છે. ફાયર ફાઈટરો દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઉપરના માળે લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.
સોસાયટીમાં અફરાતફરી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ
આગ લાગતા જ બિલ્ડિંગમાં રહેતા પરિવારોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લિફ્ટ બંધ થઈ જવાને કારણે સીડીઓ વાટે વૃદ્ધો અને બાળકોને નીચે લાવવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. ફાયર બ્રિગેડની કામગીરી હજુ પણ ચાલુ છે.






