Home Gujarat Vadodara Vadodara Bjp 1434 Contenders In Fray For 76 Seats Know Whose Ticket Will Be Cut

ભાજપના ગઢ વડોદરામાં ટિકિટ માટે પડાપડી : 76 બેઠકો માટે 1434 દાવેદારો મેદાને, જાણો કોનું પત્તું કપાશે?

Vadodara BJP Election Ticket Aspirants
Published by: Nirali Gohil
Last Updated: Apr 03, 2026, 06:54 AM IST

Vadodara BJP Election: વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે સંસ્કારી નગરીનું રાજકારણ ગરમાયું છે. સત્તાધારી પક્ષ ભાજપમાં આ વખતે ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને નેતાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના કુલ 19 વોર્ડની 76 બેઠકો માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં આશ્ચર્યજનક રીતે 1434 કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ બાયોડેટાનો જે રીતે ખડકલો થયો છે તે જોતા પક્ષના મોવડીમંડળ માટે ઉમેદવારોની પસંદગી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

વડોદરા ભાજપના શાસન હેઠળના 'સેફ ગઢ' ગણાતા વિસ્તારોમાં ટિકિટ મેળવવા માટે પડાપડી થઈ રહી છે, જ્યારે કેટલાક પડકારજનક વોર્ડમાં દાવેદારોની સંખ્યા ઓછી નોંધાઈ છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ લાંબી પ્રક્રિયા બાદ હવે શહેર ભાજપની સંકલન સમિતિ અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ પર સૌની નજર ટકેલી છે. જૂના જોગીઓ પોતાની પકડ જાળવી રાખવા મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉત્સાહી યુવા કાર્યકરો પણ આ વખતે સત્તામાં ભાગીદારી નોંધાવવા મક્કમ જણાઈ રહ્યા છે.

ભાજપના 'ગઢ' માં રસાકસી: એક-એક વોર્ડમાં 90થી વધુ દાવેદારો

વડોદરામાં ભાજપનું વર્ષોથી શાસન રહ્યું છે અને કેટલાક વોર્ડ પક્ષ માટે 'સુરક્ષિત બેઠકો' માનવામાં આવે છે. આ વખતે આવા 5 મુખ્ય વોર્ડમાં ટિકિટ મેળવવા માટે ભારે ઘીંગાણું જોવા મળ્યું છે. આ સુરક્ષિત ગણાતા વોર્ડમાં સરેરાશ 90થી વધુ કાર્યકરોએ એક જ વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નિરીક્ષકો સમક્ષ રજૂ થયેલા બાયોડેટામાં શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની વફાદારી અને જ્ઞાતિના સમીકરણોને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરા ભાજપમાં ટિકિટ માટે જંગ : આ ધારાસભ્યના ભાઈની દાવેદારીથી ગરમાયું રાજકારણ

વોર્ડ 15 અને 16 માં ફિક્કો પ્રતિસાદ: માત્ર 41 દાવેદારો મેદાને

જ્યાં એકબાજુ મોટાભાગના વોર્ડમાં દાવેદારોની લાઈનો લાગી છે, ત્યાં બીજી તરફ વોર્ડ નંબર 15 અને 16 માં ચિત્ર તદ્દન અલગ છે. આ વિસ્તારોમાં અન્ય વોર્ડની સરખામણીએ દાવેદારી નોંધાવનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. આ બંને વોર્ડમાં મળીને માત્ર 41 દાવેદારોએ જ ટિકિટની માગ કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ વિસ્તારોમાં વિરોધ પક્ષોનું વર્ચસ્વ અથવા અટપટા જ્ઞાતિ સમીકરણોને કારણે કાર્યકરોએ ચૂંટણી લડવાનું જોખમ ટાળ્યું હોય તેમ જણાય છે.

હવે દાવેદારોના નસીબનો ફેંસલો સંકલન સમિતિના હાથમાં

ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી તબક્કો સ્ક્રુટિનીનો શરૂ થશે. શહેર ભાજપની સંકલન સમિતિ દરેક વોર્ડ દીઠ દાવેદારોના નામની પેનલ તૈયાર કરશે. આ યાદી આખરી મંજૂરી માટે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે. 1434 દાવેદારોમાંથી પક્ષ કોના પર વિશ્વાસ મૂકશે અને કોનું પત્તું કાપશે, તે હવે જોવાનું રહેશે. ટિકિટ કાપવાની શક્યતાઓને જોતા કેટલાક વર્તમાન કોર્પોરેટરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now