અમરેલી જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના સતત આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં માત્ર 4 કલાકના ગાળામાં કુલ 7 ધરતીકંપના આંચકા નોંધાયા છે.
કેટલા વાગ્યે કેટલાનો આંચકો!
ક્રમ | સમય (વહેલી સવારે) | તીવ્રતા (રિક્ટર સ્કેલ) |
1 | 04:15 વાગ્યે | 1.8 |
2 | 04:16 વાગ્યે | 2.3 |
3 | 04:24 વાગ્યે | 1.0 |
4 | 04:57 વાગ્યે | 1.4 |
5 | 07:00 વાગ્યે | 2.2 |
6 | 07:15 વાગ્યે | 3.58 (સૌથી વધુ) |
7 | 07:51 વાગ્યે | 1.5 |
આ આંચકાઓ મીતીયાળા ઉપરાંત ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સહિતના ગામોમાં પણ અનુભવાયા હતા. સતત ચાર કલાકમાં આટલા આંચકાઓ આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘણા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
માહિતી મુજબ, આ વિસ્તાર માટે આ પ્રકારની ઘટના પ્રથમવાર નોંધાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ આ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતના ખજોદમાં ઝેરી ધુમાડાનો કાળો કહેર : 10 દિવસથી આગ બેકાબૂ, હવે વોટ નહીં, એક્શનની માંગ ઉગ્ર
કેટલું દૂર હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ?
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 43 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિ અથવા મોટું નુકસાન નોંધાયું નથી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.






