Home Gujarat Amreli Dhari Gopalgram School Bus Accident Students Injured Steering Failure

વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને નડ્યો અકસ્માત : સ્ટેરિંગ રોડ તૂટતા 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, ચીસાચીસથી વાતાવરણ ગમગીન

Amreli School Bus Accident
Published by: Nirali Gohil
Last Updated: Apr 18, 2026, 11:22 AM IST

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. ગોપાલગ્રામની OPZ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓથી ભરેલી બસ અચાનક રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં અંદાજે 8 થી 10 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ચલાલાથી ગોપાલગ્રામ તરફ વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી બસના સ્ટેરિંગનો રોડ અચાનક તૂટી જવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.

અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરેલીના ધારાસભ્ય અને અન્ય સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સ્ટેરિંગ ફેઈલ થતા બસ રોડ નીચે ઉતરી: 8-10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

મળતી વિગતો અનુસાર, ધારીના ગોપાલગ્રામની OPZ હાઈસ્કૂલની બસ દરરોજની જેમ વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી. ચલાલા-ગોપાલગ્રામ રોડ પર બસના સ્ટેરિંગનો રોડ તૂટી ગયો હતો, જેના કારણે બસ પરથી નિયંત્રણ ગુમાવતા તે સીધી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 8 થી 10 જેટલા બાળકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ગંભીર ઈજાગ્રસ્ત 5 વિદ્યાર્થીઓને અમરેલી રિફર કરાયા

ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, તે પૈકીના 5 જેટલા વિદ્યાર્થીઓને વધુ સારી સારવારની જરૂર હોવાથી તેમને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના બિછાને રહેલા વિદ્યાર્થીઓએ આ ભયાનક અકસ્માતની આપવીતી વર્ણવી હતી. સદનસીબે કોઈ વિદ્યાર્થીને જીવલેણ ઈજા ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

ધારાસભ્ય જે.વી. કાકડીયા અને પાલિકા પ્રમુખ હોસ્પિટલે દોડી ગયા

અકસ્માતની ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તો બીજી તરફ, ધારાસભ્ય જે.વી. કાકડીયા અને ચલાલા નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના હાલચાલ પૂછ્યા હતા અને તેમને યોગ્ય સારવાર મળે તે માટે ડોક્ટરોને સૂચના આપી હતી. ધારાસભ્યએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા શાળા સંચાલકોને વાહનોની સમયસર જાળવણી કરવા પણ ટકોર કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસમાં ભડકો : શહેરના મહિલા પ્રમુખ સોનલ પટેલના વાળ ખેંચ્યા, વીડિયો વાયરલ

આ અંગે માહિતી આપતા રોનક વાળા (વિધાર્થી, ચલાલા) જણાવે છે કે, "અમે લોકો સવારે બસમાં બેસીને સ્કૂલે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ચલાલા અને ગોપાલગ્રામ વચ્ચે બસના સ્ટેરિંગનો રોડ તૂટી ગયો હતો. સ્ટેરિંગ ફેલ થવાને કારણે બસ પરથી કાબૂ ગુમાવતા તે રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. બસમાં 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી ઘણાને નાની-મોટી ઈજાઓ થઈ છે. અમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે." વધુમાં માહિતી આપતા જયરાજ વાળા (પ્રમુખ, નગરપાલિકા ચલાલા)એ જણાવ્યું હતું કે, "ધારીના ગોપાલગ્રામની OPZ હાઈસ્કૂલની બસને આજે સવારે અકસ્માત નડ્યો હોવાની જાણ થઈ હતી. બસના સ્ટેરિંગમાં ખામી સર્જાવાને કારણે તે માર્ગ પરથી ઉતરી ગઈ હતી, જેમાં 8 થી 10 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્ત બાળકોને ચલાલા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે અને તેમાંથી ગંભીર ઈજા પામેલા 5 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now