Home Gujarat Dhandhuka Violence After Gujarat

દુકાનોમાં આગચંપી, તોડફોડ... : પોલીસનો લોખંડી બંદોબસ્ત, જાણો ધંધુકામાં કેમ શરૂ થઈ હિંસા

ધંધુકામાં હિંસા
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 18, 2026, 01:10 PM IST

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ધંધુકા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવાનની ઘાતકી હત્યાના પડઘા સમગ્ર પંથકમાં પડ્યા છે. હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિકોમાં રોષની લાગણી ફાટી નીકળી હતી, જેણે ટૂંક સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં તોડફોડ અને આગચંપી કરતા સમગ્ર શહેરમાં ભય અને તણાવનો માહોલ છવાઈ ગયો છે.

હત્યા બાદ જનઆક્રોશનો વિસ્ફોટ

ધંધુકામાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે ક્યારેક એક ગુનાહિત કૃત્ય સમગ્ર શહેરની શાંતિને પળવારમાં ડહોળી શકે છે. બાઈક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ મૃતકના સમર્થકો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. શરૂઆતમાં ન્યાયની માંગ સાથે શરૂ થયેલું પ્રદર્શન જોતજોતામાં અનિયંત્રિત બની ગયું હતું.

લોકોનો આક્રોશ એટલો તીવ્ર હતો કે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ. આક્રોશિત ભીડે સૂત્રોચ્ચાર કર્યા અને રસ્તાઓ પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું. આ ઘટનાને કારણે શહેરનું વાતાવરણ એકાએક ડહોળાઈ ગયું હતું અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

હિંસક ઘટનાઓ: બજારમાં તોડફોડ અને આગચંપી

ઉશ્કેરાયેલા ટોળાએ વિરોધ પ્રદર્શન દરમિયાન ધંધુકાના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી કેટલીક કેબિનો અને દુકાનોને નિશાન બનાવી હતી. અસામાજિક તત્વોએ દુકાનોમાં તોડફોડ કરી અને ત્યારબાદ આગચંપી કરી હોવાના અહેવાલો પણ સાંપડ્યા છે. બજારમાં ધુમાડાના ગોટેગોટા જોઈ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પોતાના જીવ અને મિલકતના રક્ષણ માટે વેપારીઓએ તાત્કાલિક દુકાનોના શટર પાડી દીધા હતા. આ હિંસક પ્રવૃત્તિઓને કારણે લાખો રૂપિયાની જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન થયું હોવાનું અનુમાન છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો પહોંચે તે પહેલા જ પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ હતી.

પોલીસ તંત્રની કાર્યવાહી અને લોખંડી બંદોબસ્ત

પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા. વધારાની પોલીસ ફોર્સ, SRPની ટુકડીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસમાં ભડકો : શહેરના મહિલા પ્રમુખ સોનલ પટેલના વાળ ખેંચ્યા, વીડિયો વાયરલ

આ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાસ જાટે જણાવ્યું કે,"ધંધુકામાં એક મર્ડરની ઘટના બની છે. જેમાં બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી, તેના આધારે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન એક યુવકે બીજા યુવકના પગમાં છરી મારી દીધી હતી. વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તે યુવકનું મૃત્યુ નીપજ્યું છે."

તેમણે વધુમાં જણાવ્યું "યુવકના મૃત્યુ બાદ ગામમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમાંથી કેટલાક લોકોએ આગજની પણ કરી હતી. આ મર્ડર કેસના બંને મુખ્ય આરોપીઓની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત, આગજની કરનારા 15 થી 20 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે."

"અત્યારે સમગ્ર ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે. હું આપના માધ્યમથી લોકોને અપીલ કરું છું કે શાંતિ જાળવી રાખવામાં સહયોગ આપે. જે કોઈ પણ કાયદો હાથમાં લેશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ગણવેશમાં અને સિવિલ ડ્રેસમાં પણ તૈનાત છે, તેથી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ કરનારને છોડવામાં આવશે નહીં," એમ તેમણે કહ્યું.

વર્તમાન પરિસ્થિતિ અને અફવાઓથી સાવધ રહેવા અપીલ

તંત્રના અથાગ પ્રયત્નો બાદ હાલ ધંધુકામાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ અંદરખાને તણાવ હજુ પણ યથાવત છે. બજારોમાં સન્નાટો છે અને લોકોમાં એક પ્રકારનો છૂપો ડર જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની ભડકાઉ પોસ્ટ કે અફવા ફેલાવનાર સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now