Home Gujarat Gujarat Bank Hacking Scam Cid Crime Bust

ભાવનગર બેંક હેકિંગ કેસમાં CID ક્રાઈમનો સપાટો : 7.34 કરોડનું કૌભાંડ આચરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

ભાવનગર બેન્ક ફ્રોડ કેસમાં પકડાયેલા આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Apr 18, 2026, 12:22 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં ટેકનોલોજીના વ્યાપની સાથે સાયબર ગુનાખોરીના ગ્રાફમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CID Crime) દ્વારા એક અત્યંત જટિલ અને આંતરરાજ્ય કક્ષાના બેંક હેકિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની સિસ્ટમમાં સેંધ મારીને કરોડો રૂપિયાની હેરાફેરી કરનાર ટોળકીના ચાર સાગરીતોને પોલીસે દબોચી લીધા છે.

કેવી રીતે આચરાયું કરોડોનું કૌભાંડ?

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો કોઈ હોલીવુડ ફિલ્મની કહાણી જેવી છે. આ ગેંગના સભ્યો ટેકનિકલ બાબતોમાં માહેર હતા. તેઓએ બેંકના કોર બેંકિંગ સર્વિસ (CBS) સોફ્ટવેરની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામી એટલે કે 'Vulnerability' શોધી કાઢી હતી. આ ખામીનો ગેરલાભ ઉઠાવીને તેઓએ બેંકના એવા ચાર ખાતાઓ નિશાન બનાવ્યા જે લાંબા સમયથી નિષ્ક્રિય અથવા જૂના હતા.

આરોપીઓએ સૌપ્રથમ આ ખાતાઓમાં રજિસ્ટર્ડ થયેલા મોબાઈલ નંબરોને બદલીને પોતાના કબજા હેઠળના મોબાઈલ નંબર એક્ટિવ કર્યા. ત્યારબાદ, સોફ્ટવેરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કોઈપણ વાસ્તવિક ડિપોઝિટ વગર વર્ચ્યુઅલી ₹7.34 કરોડ જેવી જંગી રકમ જનરેટ કરી હતી. આ રકમ કોઈ એક જગ્યાએ રાખવાને બદલે તેને તાત્કાલિક અલગ-અલગ રાજ્યોના 135 જેટલા બેંક ખાતાઓમાં વિભાજિત કરીને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

ઓપરેશન અમદાવાદ-મુંબઈ અને ધરપકડ

સાયબર ક્રાઇમની ટીમે જ્યારે આ કેસની તપાસ હાથ ધરી ત્યારે ટેકનિકલ એનાલિસિસ અને IP એડ્રેસના ટ્રેકિંગના આધારે કડીઓ અમદાવાદ અને મુંબઈ સુધી પહોંચી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડ્યા અને કુલ 4 માસ્ટરમાઈન્ડ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન અને લેપટોપના ડેટા એક્સટ્રેક્શનમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા આરોપીઓના કબજામાંથી અન્ય 42 બેંક ખાતાઓની વિગતો મળી છે, જેનો ઉપયોગ આગામી સમયમાં મોટા ફ્રોડ માટે કરવાનો તેમનો પ્લાન હતો.

દેશવ્યાપી નેટવર્કનો ખુલાસો

નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આરોપીઓની વિગતો ચકાસતા માલૂમ પડ્યું છે કે આ માત્ર ભાવનગર પૂરતું મર્યાદિત કૌભાંડ નથી. આ ગેંગ દેશભરમાં 15 થી વધુ સાયબર ગુનાઓમાં સીધી રીતે સંડોવાયેલી છે. અત્યાર સુધીમાં તેઓએ આશરે ₹4 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાના પુરાવા મળ્યા છે. જોકે, ગાંધીનગર સાયબર ક્રાઇમની સતર્કતાને કારણે હાલમાં ₹2.04 કરોડ જેટલી રકમ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરાવી દેવામાં આવી છે, જેનાથી બેંક અને ગ્રાહકોને થતું મોટું નુકસાન અટકાવી શકાયું છે.


આ પણ વાંચો: ગોલ્ડ ટ્રેડિંગના નામે 25 લાખની છેતરપિંડી કરનાર હાલોલથી ઝડપાયો | UP-દિલ્હી સુધી છેડા, 8 કરોડનું આંતરરાજ્ય કૌભાંડ ખુલ્યું! | Offbeat Stories

સાયબર ગુનેગારોનું હથિયાર

આ કેસમાં સૌથી ચિંતાજનક પાસું એ સામે આવ્યું છે કે, આ ગેંગ સામાન્ય અને ગરીબ લોકોને આર્થિક લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ્સ, ડેબિટ કાર્ડ અને ચેકબુક ભાડે લેતી હતી. જેને સાયબરની ભાષામાં 'Mule Accounts' કહેવામાં આવે છે. આ ખાતાઓનો ઉપયોગ ફ્રોડની રકમ ફેરવવા માટે કરવામાં આવતો હતો જેથી મુખ્ય આરોપીઓ સુધી પહોંચવું મુશ્કેલ બને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now