સુરતના અડાજણ વિસ્તારમાં ભાજપના ચૂંટણી કાર્યાલયે રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપતા કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને આગેવાનોની હાજરીએ આ કાર્યક્રમને શક્તિ પ્રદર્શનનું સ્વરૂપ અપાયું. જે આગામી ચૂંટણી માટે પાર્ટીના મજબૂત સંકેતો આપી રહ્યું છે.
અડાજણ કાર્યાલયે ઉમટી ભીડ
સુરતના અડાજણ સ્થિત ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓનો જાણે મહાસાગર ઉમટી પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી. શહેર સ્તરના નેતાઓ અને ધારાસભ્યોમાં ઉત્સાહ ભર્યો માહોલ સર્જાયો . જગદીશ વિશ્વકર્માના આગમનથી સમગ્ર કાર્યાલયમાં રાજકીય ઊર્જામાં વધારો થયો હોય તેવો માહોલ સર્જાયો હતો.
ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવાની વ્યૂહરચના
આ મુલાકાત માત્ર એક કાર્યક્રમ નહી પરંતુ ચૂંટણી પહેલા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેનો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન જગદિશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક કર્યો. બૂથ સ્તરે કાર્ય વધુ સક્રિય કરવાની સૂચના આપી બતી. સ્થાનિક નેતાઓ સાથે આંતરિક ચર્ચાઓ પણ કરી હતી. વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આગામી ચૂંટણીમાં જીત માટે એકતા અને સક્રિયતા સૌથી જરૂરી છે.
નવસારીના ચીખલીમાં પણ સક્રિય અભિયાન
સુરત ઉપરાંત ચીખલી ખાતે પણ જગદીશ વિશ્વકર્માએ વિવિધ સમાજના અગ્રણીઓ અને વેપારીઓ તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. આ બેઠકમાં સરકારના વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી હતી. જનકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આવનારી ચૂંટણીમાં ભવ્ય જીત માટે પણ અપીલ કરવામાં આવી. આ પ્રસંગે કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, ધવલભાઈ પટેલ, જિલ્લા અને પ્રદેશ સ્તરના અન્ય આગેવાનો હાજર રહ્યા હતાં.
વિશ્વકર્માએ આપ્યો જીતનો વિશ્વાસ
જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા જીતનો મંત્ર આપ્યો અને કહ્યું કે દરેક કાર્યકર્તા ચૂંટણીમાં મહત્વપૂર્ણ છે. બૂથ લેવલ પર મજબૂત કામગીરી જ જીતની ચાવી છે. જનતામાં સરકારના કામોને પહોંચાડવું જરૂરી છે. તેમના સંબોધનથી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો.
ભાજપ માટે ચૂંટણી પૂર્વેનું મહત્વપૂર્ણ શક્તિ પ્રદર્શન સાબિત થયું છે. જગદીશ વિશ્વકર્માની હાજરી અને કાર્યકર્તાઓનો ઉત્સાહ દર્શાવે છે કે પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. આ પ્રકારના કાર્યક્રમો આવનારા દિવસોમાં રાજ્યના રાજકારણમાં વધુ ગરમાવો લાવશે.





