Home Gujarat Amit Shah Interpol Dfeg 11th Meeting Nfsu Gandhinagar July 2026

ગાંધીનગરના NFSUમાં કાલે ઈન્ટરપોલ DFEGની 11મી વૈશ્વિક બેઠકનો પ્રારંભ : અમિત શાહ કરશે ઉદ્ઘાટન

અમિત શાહની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Jul 12, 2026, 11:51 AM IST

ભારતને વૈશ્વિક ડિજિટલ ફોરેન્સિક અને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવનારી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે થવા જઈ રહ્યું છે. તા. 13 જુલાઈ, 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG)ની 11મી બેઠકનું ઉદ્ઘાટન કરશે. આ બેઠકમાં વિશ્વના 47 દેશોના પ્રતિનિધિઓ, વિવિધ દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતો અને સાયબર સુરક્ષા ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસ પણ ઉપસ્થિત રહેશે. વર્ષ 2022 બાદ બીજી વખત NFSUને આ પ્રતિષ્ઠિત ઇન્ટરપોલ બેઠકનું આયોજન કરવાની તક મળી છે, જે યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠા અને ભારતના ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રમાં વધતા પ્રભાવને દર્શાવે છે.

ડિજિટલ ફોરેન્સિક્સમાં વૈશ્વિક સહયોગને મળશે નવી દિશા

ઇન્ટરપોલની ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG) બેઠકનો મુખ્ય હેતુ વિશ્વભરમાં વધતા સાયબર ગુનાઓ, ડિજિટલ પુરાવાઓના સંચાલન, આધુનિક તપાસ પદ્ધતિઓ અને નવી ટેક્નોલોજી અંગે વિવિધ દેશો વચ્ચે જ્ઞાન અને અનુભવની આપ-લે કરવાનો છે.

ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ, ઓનલાઈન નાણાકીય છેતરપિંડી, ડેટા ચોરી, ડીપફેક, રેન્સમવેર હુમલા અને ડિજિટલ આતંકવાદ જેવા પડકારો સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને આધુનિક ફોરેન્સિક ક્ષમતાઓ વિકસાવવી અત્યંત જરૂરી બની છે. NFSU ખાતે યોજાનારી આ બેઠક આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો: "2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો અમારો સંકલ્પ" : અમદાવાદમાં આજે સવા કરોડ વૃક્ષો વવાશે, અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ

3 અત્યાધુનિક સેન્ટર ઓફ એક્સેલન્સનું થશે લોકાર્પણ

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ નવા સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે, જે દેશના ફોરેન્સિક શિક્ષણ અને તપાસ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવશે.

પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડેટા એનાલિટિક્સ દ્વારા નાણાકીય છેતરપિંડી, મની લોન્ડરિંગ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને આર્થિક ગુનાઓની 360 ડિગ્રી તપાસમાં મદદરૂપ બનશે.

બીજું સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મીડિયા ફોરેન્સિક્સ દેશનું પ્રથમ વિશિષ્ટ કેન્દ્ર હશે, જ્યાં મીડિયા પ્રોફેશનલ્સ, પત્રકારો અને તપાસ એજન્સીઓને ડિજિટલ મીડિયા ચકાસણી, ડીપફેક ઓળખ, ઓડિયો-વીડિયો વિશ્લેષણ, પોડકાસ્ટિંગ અને ફોરેન્સિક જર્નાલિઝમ જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે.

ત્રીજું સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્રાઇમ સીન મેનેજમેન્ટ ગુનાના સ્થળે વૈજ્ઞાનિક રીતે પુરાવા એકત્રિત કરવાની પદ્ધતિઓને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને તપાસને વધુ વિશ્વસનીય અને અસરકારક બનાવશે.

એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન બનશે આકર્ષણનું કેન્દ્ર

આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન રહેશે. 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ વિકસાવવામાં આવેલી આ અત્યાધુનિક મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરી ડિજિટલ પુરાવાઓના સ્થળ પર જ સંરક્ષણ, ડેટા રિકવરી, વિશ્લેષણ અને પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય અને NFSUના સહયોગથી તૈયાર કરાયેલી આ વાન સાયબર ગુનાઓની તપાસમાં સમય બચાવશે અને ડિજિટલ પુરાવાઓને વધુ સુરક્ષિત રીતે જાળવવામાં મદદરૂપ બનશે. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં દેશભરના તપાસ તંત્ર માટે આ મોડેલ ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો: અમદાવાદ:અમિત શાહની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર : ₹405 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

વૈશ્વિક કંપનીઓ રજૂ કરશે નવીન ટેક્નોલોજી

બેઠક દરમિયાન ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે કાર્યરત 30થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓનું વિશાળ પ્રદર્શન પણ યોજાશે. તેમાં અમેરિકાની Google, ઇઝરાયેલની Cellebrite, ઇટાલીની Amped, યુકેની Ditigo Global અને યુએઈની MH Service સહિતની અગ્રણી કંપનીઓ ભાગ લેશે.

આ કંપનીઓ ડિજિટલ પુરાવા વિશ્લેષણ, મોબાઇલ ફોરેન્સિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત તપાસ, સાયબર સુરક્ષા અને ડેટા રિકવરી જેવી અદ્યતન ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. કાયદા અમલીકરણ એજન્સીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન આધુનિક ટેક્નોલોજીને નજીકથી સમજવાની અનોખી તક બનશે.

15 જુલાઈએ યોજાશે પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા

NFSU અને ઇન્ટરપોલના સંયુક્ત આયોજન હેઠળ 15 જુલાઈએ 'AI-સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન' વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને વૈશ્વિક શિખર સંમેલન યોજાશે.

આ કાર્યક્રમમાં વિશ્વભરના તપાસ અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતો, સાયબર સુરક્ષા વ્યાવસાયિકો, સંશોધકો અને શિક્ષણવિદો ભાગ લેશે. આ સ્પર્ધા દ્વારા વાસ્તવિક તપાસ સંબંધિત પડકારો પર આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રાયોગિક અનુભવ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

ભારતને વૈશ્વિક ફોરેન્સિક હબ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સુરક્ષા અને વૈજ્ઞાનિક તપાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. NFSUને 'ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ'નો દરજ્જો મળ્યા બાદ યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.

ઇન્ટરપોલ જેવી વૈશ્વિક સંસ્થાની બેઠકનું સતત બીજી વખત આયોજન થવું એ ભારત માટે ગૌરવની બાબત માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કાર્યક્રમ માત્ર ટેક્નોલોજી અને સંશોધન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વિશ્વભરના કાયદા અમલીકરણ તંત્ર વચ્ચે વધુ મજબૂત સહયોગ સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ડિજિટલ યુગમાં વધતા સાયબર જોખમો સામે લડવા માટે વૈશ્વિક સહયોગ, આધુનિક ટેક્નોલોજી અને પ્રશિક્ષિત માનવબળ અત્યંત જરૂરી બની ગયું છે. ગાંધીનગરમાં યોજાનારી આ આંતરરાષ્ટ્રીય બેઠક ભારતને ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર તપાસ ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ ધપાવતું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now