પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ વચ્ચે વધુ એક બાળકનું શંકાસ્પદ મોત નોંધાયું છે. ગોધરા તાલુકાના મણિપુર ગામના મહુડી ફળિયામાં રહેતા એક વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બાળકના મોતનું ચોક્કસ કારણ લેબોરેટરી તપાસ અને આરોગ્ય વિભાગની સત્તાવાર પુષ્ટિ બાદ જ સ્પષ્ટ થશે. હાલ આરોગ્ય વિભાગ આ ઘટનાને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ તરીકે ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે.
આ પણ વાંચો: ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ : કપડવંજના એક વર્ષના બાળકની હાલત ગંભીર, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને વધતી ચિંતા
જિલ્લામાં અગાઉ ચાંદીપુરા વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાં બંને બાળકોના મોત થયા હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા નોંધાયું હતું. હવે વધુ એક બાળકના શંકાસ્પદ મોત બાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. ચાંદીપુરા વાયરસના સંભવિત પ્રસારને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા સતત ઘર-ઘર મુલાકાત, તાવ અને ન્યુરોલોજીકલ લક્ષણો ધરાવતા બાળકોની તપાસ તેમજ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
300થી વધુ સેન્ડફ્લાય પકડાઈ, નિયંત્રણ માટે વિશેષ અભિયાન
જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી કરવામાં આવેલા સર્વેલન્સ દરમિયાન ચાંદીપુરા વાયરસના સંભવિત વાહક માનવામાં આવતી 300થી વધુ સેન્ડફ્લાય (Sand Fly) પકડવામાં આવી છે. આના આધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નિયંત્રણ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ડફ્લાયનો ઉપદ્રવ ઓછો કરવા માટે દવાનો છંટકાવ, ફોગિંગ તેમજ કાચા અને પાકા મકાનોની દિવાલોમાં રહેલી તિરાડો પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે લોકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, બાળકોમાં તાવ, બેહોશી, આંચકી અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરી છે.
આ પણ વાંચો: રિપોર્ટ આવે તે પહેલાં જ દુઃખદ ઘટના : ચાંદીપુરાના લક્ષણો ધરાવતી 2 વર્ષની બાળકીનું મોત
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરલ ચેપ છે, જે મુખ્યત્વે સેન્ડફ્લાય દ્વારા ફેલાતો હોવાનું માનવામાં આવે છે. આ વાયરસ ખાસ કરીને બાળકોને અસર કરી શકે છે અને કેટલાક કેસોમાં મગજ પર ગંભીર અસર પહોંચાડી શકે છે. તીવ્ર તાવ, ઊલટી, આંચકી, બેહોશી અને ન્યુરોલોજીકલ લક્ષણો તેના મુખ્ય સંકેતો હોઈ શકે છે. સમયસર સારવાર અને ઝડપી તબીબી દેખરેખ દર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.





