Home Gujarat Rajkot East Kutch Samakhiyali House Theft Case Accused Arrested Mumbai

ઘરની અંદરથી જ રચાયું ચોરીનું કાવતરું! : સામખીયાળીની ચર્ચાસ્પદ ઘરફોડનો ભેદ ઉકેલાયો, મુંબઈથી આરોપી ઝડપાયો

સામાખીયાળી પોલીસ સ્ટેશનના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 12, 2026, 11:40 AM IST

પૂર્વ કચ્છ જિલ્લાના સામખીયાળી વિસ્તારમાં થોડા દિવસો પહેલાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ઝડપી અને અસરકારક તપાસના આધારે ઉકેલી નાખ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ, માનવ સૂત્રો અને સતત તપાસના આધારે પોલીસે સમગ્ર ઘટનાનું રહસ્ય બહાર લાવતાં મુખ્ય આરોપીને મુંબઈના વસઈ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ. 6.89 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પૂર્વ કચ્છમાં મિલકત સંબંધિત ગુનાઓને ઝડપી ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એલસીબીની ટીમે સામખીયાળીમાં બનેલી આ ચર્ચાસ્પદ ઘરફોડ ચોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જેના કારણે સમગ્ર ઘટનાનો ભેદ ટૂંકા સમયમાં ખુલ્લો પડી ગયો છે.

6 જુલાઈએ બની હતી ચોરીની ઘટના

પોલીસ તપાસ મુજબ, 6 જુલાઈ, 2026ના રોજ સામખીયાળીના પટેલ રેસિડેન્સીમાં રહેતા શશાંક ધર્મપ્રકાશ શર્માના નિવાસસ્થાને અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત અંદાજે રૂ. 9.40 લાખની મિલકતની ચોરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સામખીયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ તપાસ ટીમો બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: જામનગર-ધ્રોલ રોડ પર ખનીજ વિભાગની મોટી કાર્યવાહી : ગેરકાયદે ખનીજ વહન કરતાં 6 વાહનો જપ્ત, રૂ. 2.10 કરોડનો મુદામાલ કબજે

તપાસમાં સામે આવ્યું પરિવારની મહિલાનું નામ

પોલીસે ટેક્નિકલ એનાલિસિસ, મોબાઇલ લોકેશન, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય વૈજ્ઞાનિક તપાસના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીનું પરિવાર સંયુક્ત કુટુંબમાં રહેતું હતું. પરિવારની મહિલા સભ્ય રૂબી ઉર્ફે રાધાને પોતાના સાસુ-સસરા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે લાંબા સમયથી કૌટુંબિક મતભેદો હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ મતભેદોના કારણે તેણે પોતાના જ ઘરમાં ચોરી કરાવવાનું કાવતરું રચ્યું હતું.

તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે રૂબીએ મુંબઈમાં રહેતા પોતાના સંબંધિત અમરકુમાર ભૈરવસિંહનો સંપર્ક કર્યો હતો. પરિવારના સભ્યો ક્યારે ઘરમાં હાજર નહીં હોય તેની માહિતી આપીને તેણે ચોરીની સમગ્ર યોજના અમલમાં મૂકી હતી. યોજના મુજબ આરોપી સામખીયાળી પહોંચ્યો, ચોરીને અંજામ આપ્યો અને ત્યારબાદ ચોરીનો મુદ્દામાલ લઈને મુંબઈ પરત ફર્યો હતો.

આ પણ વાંચો: ભરૂચમાં બની ચોંકાવનારી ઘટના : પાંજરે પુરેલો દીપડો ભાગ્યો, 2 મહિલા પર કર્યો હુમલો

વસઈમાંથી મુખ્ય આરોપીની ધરપકડ

ખાનગી બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક મુંબઈના વસઈ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં સતત વોચ અને સઘન તપાસ બાદ અમરકુમાર ભૈરવસિંહ (ઉંમર 43)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસે તેની પાસેથી સોનાના હાર, મંગળસૂત્ર, વીંટીઓ, ટીડા, નથણી, ચાંદીના વિવિધ આભૂષણો, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બેગ તથા મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. 6.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાકીના મુદ્દામાલ અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વધુ તપાસ માટે સામખીયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.

આ પણ વાંચો: પૂરના પાણીમાં તણાઈ બહાર આવ્યા કોબ્રા સહિત 900 સાપ! : લોકોને ઘરમાં રહેવાની અપીલ, રેસ્ક્યુ ટીમો થઈ દોડતી

એલસીબીની ઝડપી તપાસથી કેસનો થયો પર્દાફાશ

આ સમગ્ર ઓપરેશન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. પટેલ અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના અસરકારક ઉપયોગના કારણે ટૂંકા સમયમાં આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે કૌટુંબિક મતભેદો ક્યારેક ગંભીર ગુનાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. સાથે જ આધુનિક ટેક્નોલોજી, ટેક્નિકલ સર્વેલન્સ અને વ્યવસ્થિત તપાસના આધારે પૂર્વ કચ્છ પોલીસે લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને કાયદાના હવાલે કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now