Home Gujarat Rajkot Rajkot Traffic Towing Van Viral Video Insurance Controversy

રાજકોટમાં કાયદાનું પાલન કરાવવા વાળા જ ભૂલ્યા કાયદો! : ટોઇંગ વાનનો વીમો સમાપ્ત હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ, પોલીસ કમિશનરને રજૂઆત

ટ્રાફિક પોલીસ અને વકીલ ના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 11, 2026, 10:11 AM IST

રાજકોટમાં ટ્રાફિક ટોઇંગ વાનને લઈને ફરી એક વખત વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક જાગૃત નાગરિકો અને એડવોકેટ દ્વારા ટ્રાફિક ટોઇંગ વાનનો વીમો વર્ષ 2023માં સમાપ્ત થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ ટોઇંગ કામગીરી દરમિયાન દસ્તાવેજો અને દંડ વસૂલાતની પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે રાજકોટના એડવોકેટ અંકિત સોંદરવાએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરી છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસ પહેલાં ટ્રાફિક ટોઇંગ કર્મચારીઓ દ્વારા એક મહિલા સાથે દુર્વ્યવહાર અને મારપીટના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા હતા. હવે નવા વીડિયો વાયરલ થતાં ટ્રાફિક અમલવારીની પદ્ધતિ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

આ પણ વાંચો: ગિરનારમાં સિંહના હુમલાથી ચકચાર : બાળક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો, જાણો હવે શું છે સ્થિતિ!

મહિલાના દંડની પ્રક્રિયા દરમિયાન શરૂ થયો વિવાદ

એડવોકેટ અંકિત સોંદરવાના જણાવ્યા અનુસાર, તેઓ ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મહિલા દંડની રકમ ઓનલાઈન ચૂકવવાની તૈયારી દર્શાવી રહી હતી. તેમનો દાવો છે કે ટોઇંગ સાથે સંકળાયેલા કર્મચારીઓએ ઓનલાઈન ચુકવણી સ્વીકારવાને બદલે અન્ય ખાતામાં રકમ જમા કરાવવા જણાવ્યું હતું, જેના કારણે તેમને શંકા જાગી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે આ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં આસપાસના લોકો પણ એકત્ર થયા અને સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

ટોઇંગ વાનના વીમા અંગે પણ ઉઠ્યા સવાલ

વાયરલ વીડિયોમાં ટોઇંગ વાનના દસ્તાવેજો અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે સંબંધિત ટોઇંગ વાહનનો વીમો વર્ષ 2023માં જ સમાપ્ત થઈ ગયો હતો. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એડવોકેટ અંકિત સોંદરવાનું કહેવું છે કે જો સામાન્ય નાગરિકો પાસે વાહનના તમામ દસ્તાવેજો અને વીમો હોવો ફરજિયાત છે, તો સરકારી કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે પણ સમાન નિયમો લાગુ થવા જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદની અર્થ સ્કૂલમાં વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી શિક્ષકે માર્યો માર : ઘટનાની ગંભીરતાથી વાલીઓમાં રોષ

પોલીસ કમિશનરને અરજી, કોર્ટમાં જવાની પણ તૈયારી

અંકિત સોંદરવાએ જણાવ્યું છે કે સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનરને લેખિત અરજી કરવામાં આવી છે અને ટોઇંગ કામગીરીની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટનો દરવાજો પણ ખટખટાવવામાં આવશે. તેમણે નાગરિકોને અપીલ કરી કે જો ક્યાંય પણ ટ્રાફિક અમલવારી દરમિયાન ગેરરીતિ દેખાય તો તેનો વીડિયો અથવા પુરાવો સાચવી સંબંધિત સત્તાધિકારીઓ અથવા મીડિયાને પહોંચાડવો જોઈએ, જેથી જવાબદારી નક્કી થઈ શકે.

પોલીસનો સત્તાવાર પ્રતિભાવ બાકી

આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ અથવા ટ્રાફિક વિભાગ તરફથી આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવા અને આક્ષેપોની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now