પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા રાજકોટ રીજિયનમાં વીજચોરી સામે પાંચ દિવસીય વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ઝુંબેશ દરમિયાન રાજકોટ શહેર અને આસપાસના વિવિધ વિસ્તારોમાં વ્યાપક પાવર ઓડિટ અને અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન અંદાજે ₹1.50 કરોડની વીજચોરી શોધી કાઢવામાં આવી હોવાનું PGVCLના અધિકારીઓએ જણાવ્યું છે.
કંપનીના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી રાજકોટના કેટલાક વિસ્તારોમાં લાઇન લોસનું પ્રમાણ અસામાન્ય રીતે ઊંચું નોંધાઈ રહ્યું હતું. ટેકનિકલ વિશ્લેષણ અને આંતરિક તપાસના આધારે આવા વિસ્તારોને ચિહ્નિત કરીને વિશેષ ચેકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં આજે અમિત શાહ આપશે 188 પરિવારોને મોટી ભેટ : ₹60.68 કરોડના આવાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
178 ટીમો મેદાનમાં ઉતરી
PGVCL દ્વારા આ સમગ્ર અભિયાન માટે વિવિધ સર્કલમાંથી ડેપ્યુટી એન્જિનિયરો, જુનિયર એન્જિનિયરો, લાઇન સ્ટાફ અને અન્ય કર્મચારીઓને જોડવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે SRP પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. કુલ 178 વિશેષ ટીમોએ રાજકોટના અંદાજે 70 જેટલા હાઈ-રિસ્ક રહેણાંક વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ તેમજ વ્યાપારી વિસ્તારોમાં એકસાથે ચેકિંગ હાથ ધર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કામગીરીને અસરકારક બનાવવા માટે ચેકિંગ સ્થળોની માહિતી અત્યંત મર્યાદિત અધિકારીઓ સુધી જ રાખવામાં આવી હતી.
વિવિધ પ્રકારની વીજચોરીના કિસ્સા સામે આવ્યા
ચેકિંગ દરમિયાન મીટર બાયપાસ કરીને વીજળીનો ઉપયોગ, મીટરની કામગીરીમાં ગેરકાયદેસર ચેડાં, તેમજ મુખ્ય વીજ લાઇનમાંથી સીધા જોડાણ લઈને વીજ પુરવઠો મેળવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવાનું PGVCLએ જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક સ્થળોએ વીજ મીટરના રીડિંગને અસર થાય તેવા ઉપકરણોનો ઉપયોગ થતો હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે. જોકે આવા તમામ કેસોમાં ટેકનિકલ તપાસ બાદ જ અંતિમ નોંધ કરવામાં આવશે.
આ પણ વાંચો: વડોદરામાં બાળકોના સામાન્ય ઝઘડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ : સોસાયટીના પ્રમુખને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવાતા ચકચાર
365 વીજ જોડાણો કાપવામાં આવ્યા
PGVCLએ જણાવ્યું છે કે ગંભીર અનિયમિતતા જણાતા કુલ 365 વીજ જોડાણો તાત્કાલિક અસરથી ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. સ્થળ પરથી ગેરકાયદેસર વાયરિંગ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. કંપનીના જણાવ્યા અનુસાર, વીજચોરી સંબંધિત દરેક કેસમાં પંચનામા, ટેકનિકલ પુરાવા અને સ્થળ નિરીક્ષણના આધારે અલગ-અલગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વીજ અધિનિયમ હેઠળ દંડ અને કાયદેસરની કાર્યવાહી
PGVCLના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, વીજચોરીના કેસોમાં સંડોવાયેલા ગ્રાહકો સામે ભારતીય વીજળી અધિનિયમ, 2003ની કલમ 135 હેઠળ દંડાત્મક પૂરક બિલ (Assessment/Penalty Bill) જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો સંબંધિત ગ્રાહકો નિયમ મુજબ દંડની ભરપાઈ નહીં કરે અથવા કાયદાકીય પ્રક્રિયામાં સહકાર નહીં આપે તો કંપની નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરશે. જેમાં જરૂરી સંજોગોમાં વીજ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવાની પ્રક્રિયાનો પણ સમાવેશ થઈ શકે છે. આવા કેસોમાં અંતિમ નિર્ણય સંબંધિત કોર્ટ દ્વારા લેવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આજે અમિત શાહ આપશે 188 પરિવારોને મોટી ભેટ : ₹60.68 કરોડના આવાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
વીજચોરી રોકવા સતત અભિયાન ચાલુ રહેશે
PGVCLએ જણાવ્યું છે કે વીજચોરીને કારણે કંપનીને આર્થિક નુકસાન થવા ઉપરાંત પ્રામાણિક ગ્રાહકો પર પણ પરોક્ષ અસર પડે છે. તેથી ટેકનિકલ સર્વેલન્સ, પાવર ઓડિટ અને અચાનક ચેકિંગ જેવી કામગીરી આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે. કંપનીએ ગ્રાહકોને કાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરવા તેમજ કોઈપણ પ્રકારની વીજચોરીની માહિતી સ્થાનિક PGVCL કચેરી અથવા નિયત હેલ્પલાઇન પર આપવા અપીલ કરી છે.





