Home Gujarat Ahmedabad Amit Shah Ahmedabad Tree Plantation 125 Crore Trees Amc Development Projects

અમદાવાદ:અમિત શાહની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર : ₹405 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

અમિત શાહ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષ વાવતા અને વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 12, 2026, 09:47 AM IST

Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પર્યાવરણ સંરક્ષણ અને વિકાસને સમર્પિત ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં એક જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), AUDA અને માર્ગ-મકાન વિભાગના મળીને અંદાજે ₹405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 101 ઓક્સિજન પાર્કનું ઈ-લોકાર્પણ તેમજ 155 નવી AC ઇલેક્ટ્રિક BRTS-AMTS બસોને પણ લીલી ઝંડી અપાઈ હતી.



‘એક પેડ માં કે નામ’ હવે જનઆંદોલન બની ગયું: અમિત શાહ

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનને દેશભરમાં અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે અને હવે તે માત્ર સરકારી યોજના નહીં પરંતુ લોકોનું જનઆંદોલન બની ગયું છે. તેમણે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આજે 1,25,93,513 વૃક્ષોનું વાવેતર કરીને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ગાંધીનગર લોકસભાના 1,37,812થી વધુ નાગરિકોએ પોતાની સોસાયટીમાં પાંચ-પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, જ્યારે અમદાવાદના અન્ય લોકસભા વિસ્તારોમાં પણ હજારો નાગરિકો આ અભિયાન સાથે જોડાયા છે. તેમણે AMCની પ્રશંસા કરતાં કહ્યું કે માત્ર ત્રણ મહિનામાં આટલું વિશાળ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવું પ્રશંસનીય કાર્ય છે.

ભાવિ પેઢી માટે હરિયાળું ભવિષ્ય જરૂરી: દરેક ઘરમાં સોલાર અને દરેક ખૂણે વૃક્ષ

અમિત શાહે કહ્યું કે ગોરસ આંબલી, પીપળો, વડ અને સીસમ જેવા શતાયુ વૃક્ષોનું વાવેતર કરીને આવનારી પેઢીઓ માટે કુદરતી સંપત્તિનું સર્જન કરવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે વાવવામાં આવેલા વૃક્ષો આગામી 100 વર્ષ સુધી લાખો લોકોને છાંયો, શુદ્ધ હવા અને પર્યાવરણનું રક્ષણ આપશે. તેમણે વધતા કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરતાં દરેક નાગરિકને પોતાના ઘરની છત પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવા તેમજ સોસાયટીના દરેક ખૂણે વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું. તેમના જણાવ્યા અનુસાર પર્યાવરણનું સંરક્ષણ હવે વૈકલ્પિક નહીં પરંતુ અનિવાર્ય જવાબદારી બની ગયું છે.

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ₹28,492 કરોડના વિકાસ કાર્યો પૂર્ણ

અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ ₹28,492 કરોડના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આગામી વર્ષ 2029 સુધીમાં સમગ્ર વિસ્તારનું ગ્રીન કવર 11.23 ટકાથી વધારીને 20 ટકા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે પ્રદૂષણમુક્ત જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે નવી 80 BRTS અને 75 AMTS ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદ BRTS સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ સેવા ધરાવતું દેશનું અગ્રણી શહેર બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: ગુજરાત પર્યાવરણ સાથે વિકાસનું મોડેલ બની રહ્યું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિ’ના વિઝનને ગુજરાત સફળતાપૂર્વક સાકાર કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 10.96 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરોમાં 82 જેટલા ‘નમો વન’ વિકસાવવામાં આવ્યા છે, જેમાં 14 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. ઉપરાંત ઓક્સિજન પાર્ક, અમૃત સરોવર, કેચ ધ રેઇન જેવા અભિયાનો દ્વારા ગુજરાત પર્યાવરણ સંરક્ષણમાં દેશને નવી દિશા આપી રહ્યું છે.

101 ઓક્સિજન પાર્ક, ઈ-બુક અને વૃક્ષારોપણ માટે અનેક સંસ્થાઓ સાથે કરાર

કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 101 ઓક્સિજન પાર્ક લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, જેમાં 61 નવા ઓક્સિજન પાર્કનો સમાવેશ થાય છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં હવે કુલ 73 ઓક્સિજન પાર્ક કાર્યરત બન્યા છે. આ પ્રસંગે નાગરિકો તમામ પાર્કની માહિતી, વૃક્ષોની સંખ્યા અને લોકેશન જાણી શકે તે માટે વિશેષ ઈ-બુકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ ITC India Ltd., વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ, શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, IFFCO અને GUDA સહિતની સંસ્થાઓ સાથે આગામી ત્રણ વર્ષ સુધી વૃક્ષારોપણ અને જતન માટે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા.

ગોતા, ભાડજ, સરખેજ અને વાડજમાં પણ વૃક્ષારોપણ

કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ગોતા-ગોધાવી કેનાલ, ભાડજ, સવન્નાહ પાર્ટી પ્લોટ (સરખેજ) અને N.D.D.B. પ્લોટ, વાડજ ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો. પર્યાવરણ જાળવણી સાથે વિકાસને જોડવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમને રાજ્યના સૌથી મોટા હરિયાળી અભિયાનોમાંના એક તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી વર્ષોમાં અમદાવાદને વધુ હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત શહેર બનાવવાના સંકલ્પને પણ આ કાર્યક્રમમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો.

આ પણ વાંચો:
સુરતના પૂરગ્રસ્તો માટે વરાછા કો-ઓપરેટિવ બેંકની ખાસ યોજના : ₹5 લાખ સુધીની ફ્લડ લોન મળશે

અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યો અમિતભાઈ શાહ, અમુલભાઈ ભટ્ટ, જીતુભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, અમિતભાઈ ઠાકર, દિનેશસિંહ કુશવાહ, કંચનબેન રાદડિયા, પાયલબેન કુકરાણી, બાબુસિંહ જાદવ, કનુભાઈ પટેલ, બાબુભાઈ જ. પટેલ અને રીટાબેન પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત IFFCOના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, AMC કમિશનર બંછાનિધિ પાની, મેયર હિતેશભાઈ બારોટ, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now