વડોદરા શહેરમાં ઓનલાઇન ગેમ અને મોબાઇલના અતિશય વપરાશના કારણે સગીરો ગુનાહિત માનસિકતા તરફ વળી રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ગોત્રી વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. મોંઘો મોબાઇલ અપાવવા છતાં અભ્યાસના બદલે દિવસભર ‘ફ્રી ફાયર’ જેવી ઓનલાઇન ગેમ રમતા અને યુવતીઓ સાથે ચેટિંગ કરતા 17 વર્ષના કિશોરે ઘરમાં તોડફોડ કરી માતા અને બહેનો સાથે મારપીટ કરી હતી. પુત્રના આ હિંસક ત્રાસથી કંટાળીને આખરે લાચાર માતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગવી પડી હતી.
પતિના અવસાન બાદ માતાએ કચરા-પોતા કરી દીકરાને ભણાવ્યો
અભયમની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં હૃદયદ્રાવક હકીકત સામે આવી હતી. વર્ષ 2013માં પતિના અવસાન બાદ સાસરી પક્ષે મોં ફેરવી લેતા, મહિલાએ પિયરમાં રહીને 10 વર્ષ સુધી કચરા-પોતા અને મજૂરી કામ કરીને બે દીકરીઓ અને એક દીકરાનો ઉછેર કર્યો હતો. હાલમાં આ પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. ભાઈ સારી રીતે ભણીને આગળ વધે તે માટે મોટી દીકરીએ પોતાનો અભ્યાસ અધૂરો છોડી નોકરી શરૂ કરી દીધી હતી. પરિવારે પેટ કાપીને કિશોરને અંદાજે રૂ. 18 હજારનો કિંમતી સ્માર્ટફોન લઈ આપ્યો હતો.
આ પણ વાંચો: પ્રેમ જીત્યો પણ કાયદો નડ્યો : ફેસબુક પર પાંગરેલી પ્રેમકથાનો કરુણ અંત, 12 વર્ષના સંસાર પછી બે બાળકોની માતા ‘કાજલ’ બાંગ્લાદેશ ડિપોર્ટ
ગેમમાં હારી જતાં ઘરમાં તોડફોડ અને મારપીટ રોજની હરકત બની
મોબાઇલ મળ્યા બાદ કિશોર અભ્યાસ ભૂલીને દિવસ-રાત ‘ફ્રી ફાયર’ જેવી ઓનલાઇન ગેમ પાછળ પાગલ થઈ ગયો હતો. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી યુવતીઓ સાથે વાતો કરતો હતો. ઓનલાઇન ગેમ રમતી વખતે જ્યારે પણ તે હારી જતો, ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હતો. ગુસ્સામાં આવીને પોતાનો જ મોબાઇલ તોડી નાખવો, ઘરની ચીજવસ્તુઓમાં ભારે તોડફોડ કરવી અને સમજાવવા જતાં માતા તેમજ બહેનો પર હાથ ઉપાડી મારપીટ કરવી તેની રોજિંદી આદત બની ગઈ હતી.
આ પણ વાંચો: વડોદરામાં બાળકોના સામાન્ય ઝઘડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ : સોસાયટીના પ્રમુખને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવાતા ચકચાર
181 ‘અભયમ’ની ટીમે કાઉન્સેલિંગ કરી કિશોરની આંખો ખોલી
કિશોરના વધતા જતા ત્રાસ અને હિંસક વર્તનથી ડરી ગયેલી માતાએ આખરે અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની કાઉન્સિલરની ટીમે કિશોરને ખૂબ જ ગંભીરતાથી સમજાવ્યો હતો. તેને ભાન કરાવ્યું હતું કે તેની માતા અને બહેનો કેટલી આર્થિક તંગી અને મુશ્કેલીઓ વેઠીને તેને ભણાવી રહી છે. મોબાઇલનું આ વ્યસન તેનું ભવિષ્ય બરબાદ કરી દેશે.
અભયમની ટીમના સચોટ કાઉન્સેલિંગના અંતે કિશોરને પોતાની મોટી ભૂલ સમજાઈ હતી અને તેની આંખો ખૂલી ગઈ હતી. તેણે પરિવારની સામે જ રડી પડીને ભૂલ સ્વીકારી હતી અને ખાતરી આપી હતી કે, હવેથી તે મોબાઇલનો દુરુપયોગ બંધ કરી સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર આપશે અને માતા-બહેનો સાથે ક્યારેય ખરાબ વર્તન નહીં કરે. આ સાથે જ એક પરિવાર વિખેરાતો બચી ગયો હતો અને મામલાનો સુખદ અંત આવ્યો હતો.





