Home Gujarat Ahmedabad Amc New Office Bearers Hitesh Barot Mayor

હિતેશ બારોટ બન્યા અમદાવાદના નવા મેયર : અંજુ શાહ ડેપ્યુટી મેયર, કમલેશ પટેલ બન્યા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન

હિતેશ બારોટ બન્યા અમદાવાદના નવા મેયર
Published by: Chintan Chavda
Last Updated: May 26, 2026, 05:58 AM IST

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના શાસન અને વહીવટી માળખામાં મહત્વપૂર્ણ માનાતી આ નિમણૂકો સાથે હવે આગામી કાર્યકાળ માટે નવી ટીમ શહેરના વિકાસ અને નીતિગત નિર્ણયોનું નેતૃત્વ સંભાળશે. ભાજપ સંગઠન અને મહાનગરપાલિકાની આંતરિક ચર્ચાઓ બાદ વિવિધ મહત્વપૂર્ણ પદો પર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલા નામો અનુસાર હિતેશ બારોટને અમદાવાદના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હિતેશ બારોટ ADC BANK અને GHC BANK ના ડિરેક્ટર પણ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત શહેરના નાણાકીય અને વિકાસલક્ષી નિર્ણયો માટે અત્યંત મહત્વપૂર્ણ માનાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની પસંદગી કરવામાં આવી છે.

અંજુબેન શાહ બન્યા ડેપ્યુટી મેયર

AMCમાં ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના કોર્પોરેટર અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. નગરરાજકારણ અને સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહેલા અંજુબેન શાહને શહેરના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

મહિલા પ્રતિનિધિત્વના દૃષ્ટિકોણથી પણ આ નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ડેપ્યુટી મેયર તરીકે તેઓ શહેરના વિવિધ નાગરિક પ્રશ્નો અને કોર્પોરેશનની કામગીરીમાં મેયર સાથે સંકલન સાધશે.

અમિતભાઈના બે માણસોમાંથી કોનો લાગશે નંબર?: આજે ખબર પડશે કોણ વધારે નજીક છે, જાણો બે વર્ષો જૂના મિત્રોમાંથી કોણ બનશે અમદાવાદના નવા મેયર

કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી

AMCની સૌથી પ્રભાવશાળી માનાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી શહેરના બજેટ, વિકાસકાર્યો, ટેન્ડર પ્રક્રિયા અને મોટા નાણાકીય નિર્ણયોમાં કેન્દ્રસ્થાનની ભૂમિકા ભજવે છે.

અમદાવાદમાં ચાલી રહેલા રોડ પ્રોજેક્ટ, ડ્રેનેજ સિસ્ટમ, પાણી પુરવઠા, સ્માર્ટ સિટી અને અન્ય મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં હવે કમલેશ પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. રાજકીય વર્તુળોમાં તેમની પસંદગીને સંગઠનની વિશ્વસનીયતા અને અનુભવ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

જશુ ઠાકોર શાસક પક્ષના નેતા, અતુલ મિશ્રા દંડક

ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશનમાં પક્ષની નીતિઓ, સામાન્ય સભામાં વ્યૂહરચના અને કોર્પોરેટરો વચ્ચે સંકલન જાળવવાની જવાબદારી હવે તેઓ સંભાળશે.

તે ઉપરાંત ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દંડકનું પદ કોર્પોરેશનની કામગીરીમાં શિસ્ત અને સંગઠનાત્મક સંકલન જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ઉપરાંત શહેરમાં મેટ્રો વિસ્તરણ, રિવરફ્રન્ટ વિકાસ, નવા ફ્લાયઓવર પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સિટી પહેલોને વધુ ગતિ આપવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. શહેરના નાગરિકો હવે નવી ટીમ પાસેથી ઝડપી નિર્ણયક્ષમતા અને અસરકારક વહીવટની આશા રાખી રહ્યા છે.


આ પણ વાંચો: વડોદરામાં પાર્કિંગ મુદ્દે બે જૂથોમાં હિંસક અથડામણ! : લાકડા-પાઈપોથી હુમલા, વિસ્તારમાં તંગદિલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયાના એક મહિના બાદ સત્તાવાર રીતે આજે અમદાવાદ નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી. જેમાં કેન્દ્ર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ખુબ નજીક ગણાતા થલતેજ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર હિતેશ બારોટની અમદાવાદના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે.

નવી ટર્મમાં રોસ્ટર મુજબ મેયરનું પદ આ વખતે પછાત વર્ગ એટલેકે, OBC માટે અનામત છે. જ્યારે ડેપ્યુટી મેયરના પદને મહિલા કોર્પોરેટર માટે આ વખતે રિઝર્વ રખાયું છે. અઢી વર્ષની ટર્મ માટે મેયર પદની વરણી કરવામાં આવશે. આજે સવારે 10 વાગ્યે ભાજપ હાઇકમાન્ડ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે બંધ કવર ખોલીને અમદાવાદ શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી. ગત ટર્મમાં મેયર મધ્યઝોનમાંથી હતા, શહેરના શાહીબાગ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરને મેયર બનાવાયા હતા. તેથી આ વખતે પશ્ચિમ ઝોનમાંથી મેયર પદ માટે કોર્પોરેટરની પસંદગી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now