Gujarat Politics: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયાના એક મહિના સુધી હજુ મેયરના નામના ઠેકાણાં નથી પડ્યાં. એવામાં હવે આજે કોના શિરે સાફો બંધાશે ભાજપે તેનું મુહૂર્ત કાઢ્યું છે. આજે સત્તાવાર રીતે મેગાસીટી અમદાવાદને નવા મેયર મળશે. નવી ટર્મમાં રોસ્ટર મુજબ મેયરનું પદ આ વખતે પછાત વર્ગ એટલેકે, OBC માટે અનામત છે. જ્યારે ડેપ્યુટી મેયરના પદને મહિલા કોર્પોરેટર માટે આ વખતે રિઝર્વ રખાયું છે. અઢી વર્ષની ટર્મ માટે મેયર પદની વરણી કરવામાં આવશે.
'કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા': મહેસાણા ભાજપમાં ભૂકંપ: સી.જે. ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ
આજે સવારે 10 વાગ્યે ભાજપ હાઇકમાન્ડ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે બંધ કવર ખોલીને અમદાવાદ શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. ગત ટર્મમાં મેયર મધ્યઝોનમાંથી હતા, શહેરના શાહીબાગ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરને મેયર બનાવાયા હતા. તેથી આ વખતે પશ્ચિમ ઝોનમાંથી મેયર પદ માટે કોર્પોરેટરની પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
મેયર પદ માટે આમ તો ઘણાં નામો ચર્ચામાં છે. જોકે, એ યાદીમાં સૌથી પહેલું નામ ભાજપ હાઇકમાન્ડના ખુબ વિશ્વાસુ અને નજીકના ગણાતા થલતેજ વોર્ડના કાઉન્સિલર હિતેશ બારોટનું છે. આ યાદીમાં બીજું નામ છે બોડકદેવ વોર્ડના ધરમશી દેસાઇનું જેઓ પણ કેન્દ્રિય ગૃહમંત્રી સાથે નિકટતા ધરાવે છે. આ બન્ને નામોમાંથી જ કોઈ એક નામ પર પસંદગીનો કળશ ઢોળાશે એ નક્કી જ છે. પહેલી બોર્ડ બેઠકમાં સ્ટેડિંગ કમિટીના 12 અને AMTSના 8 સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવશે.

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે. જોકે, જીતના આ ભવ્ય ઉત્સવ બાદ હવે ભાજપ હાઈકમાન્ડ માટે અસલી કસોટી શરૂ થઈ છે. અમદાવાદ સહિત રાજ્યની ૧૫ મહાનગર પાલિકાઓમાં કોને મેયર બનાવવા અને કોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ આપવું, તે મુદ્દો પક્ષ માટે ભારે મૂંઝવણનો વિષય બન્યો છે. પ્રચંડ બહુમતી બાદ પક્ષમાં અસંતોષ ન વ્યાપે અને દરેક સામાજિક સમીકરણો સચવાય તે મોવડી મંડળ માટે મોટો પડકાર છે.
મોવડી મંડળ માટે પદોની વહેંચણી કેમ બની મુશ્કેલ?
ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે પક્ષ સામે સૌથી મોટો પડકાર યોગ્ય અને પ્રભાવશાળી નેતૃત્વ પસંદ કરવાનો છે. દરેક મહાનગરપાલિકામાં સ્થાનિક રાજકીય સમીકરણો, જ્ઞાતિ આધારિત સંતુલન અને સંગઠન પ્રત્યે વફાદાર હોય તેવા ચહેરાઓને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આગામી સમયમાં યોજાનારી મહત્વની બેઠકમાં માત્ર મેયર જ નહીં, પરંતુ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા (શાસક પક્ષના નેતા) અને ચીફ વ્હિપ જેવા મહત્વના હોદ્દાઓ માટે પણ નામો આખરી કરવામાં આવશે. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરી વહીવટમાં સંતુલન જાળવવા માટે ભૌગોલિક સ્થિતિ એટલે કે પૂર્વ અને પશ્ચિમ ઝોન વચ્ચે પદોની સમાન વહેંચણી કરવામાં આવી શકે છે.
"મૈં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે, ભાજપને કાઢવામાં રસ હોય, તો કહેજો": શંકરસિંહ વાઘેલાએ કેમ કહ્યું; 'ભાજપ સામે ચપ્પા નહીં ચાલે'? જાણો બાપુનો પ્લાન
અમદાવાદના મેયર પદની રેસમાં આ ૩ ચહેરાઓ સૌથી આગળ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના સર્વોચ્ચ પદ એવા મેયર બનવા માટે પક્ષના અનેક દિગ્ગજો લાઈનમાં છે, જેમાંથી મુખ્ય ત્રણ નામોની ચર્ચા હાલ રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે:

૧. હિતેશ બારોટ (થલતેજ વોર્ડ)
પક્ષના જૂના અને પીઢ આગેવાન હિતેશ બારોટ આ રેસમાં સૌથી મોખરે હોવાનું મનાય છે. તેઓ ભાજપ હાઈકમાન્ડ અને ઉચ્ચ નેતૃત્વ સાથે સીધો અને મજબૂત સંપર્ક ધરાવે છે. અગાઉ AMCમાં સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી ચૂક્યા હોવાથી તેમની પાસે વહીવટી અનુભવ પણ બહોળો છે. ભાજપની ઉંમર મર્યાદાની નીતિના ચુસ્ત અમલ વચ્ચે પણ સંગઠનમાં મજબૂત પકડ હોવાને કારણે તેમને આ વખતે મેયર પદની મોટી લોટરી લાગી શકે છે.
૨. ધરમશી દેસાઈ (બોડકદેવ વોર્ડ)
બોડકદેવ વોર્ડના કાઉન્સિલર ધરમશી દેસાઈ પણ હાઈકમાન્ડની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. તેઓ અગાઉ AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ના ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. અમદાવાદના નિકોલ ખાતે યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો દરમિયાન તેમણે ખડેપગે રહીને ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવી હતી. આ વખતે ઓબીસી (OBC) ફેક્ટરને કારણે તેમની દાવેદારી અત્યંત મજબૂત માનવામાં આવી રહી છે.
૩. જશુ ઠાકોર (શાહીબાગ વોર્ડ)
શાહીબાગ વિસ્તારમાંથી આવતા જશુ ઠાકોર પણ મેયર પદના મજબૂત દાવેદારોમાંના એક છે. અગાઉ ઠાકોર સમાજમાંથી કાનાજી ઠાકોરને અમદાવાદના મેયર બનવાનું બહુમાન મળ્યું હતું, જે બાદ પક્ષે તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ પણ બનાવ્યા હતા. આ વખતે ઉત્તર અને પૂર્વ અમદાવાદના મોટા વોટબેંક સમાન ઠાકોર સમાજને રાજકીય રીતે સાધવા અને ખુશ કરવા માટે ભાજપ જશુ ઠાકોરના નામ પર મહોર મારે તો નવાઈ નહીં.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કેમ જામી છે ભારે મથામણ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીને સૌથી શક્તિશાળી સમિતિ ગણવામાં આવે છે. શહેરના તમામ મોટા બજેટ, વિકાસ કાર્યોની મંજૂરી, કરોડો રૂપિયાની ટેન્ડર પ્રક્રિયા અને નાણાકીય આયોજન આ સમિતિ હસ્તક જ હોય છે. આથી જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી અને વગદાર માનવામાં આવે છે. આગામી વર્ષોમાં અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા ફ્લાયઓવર, સ્માર્ટ રોડ, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-૨ સહિતના અનેક મેગા પ્રોજેક્ટ્સ સાકાર થવાના છે. આવી સ્થિતિમાં માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પણ વહીવટી અને બિલ્ડર લોબીમાં પણ આ પદ કોને મળશે તેની ભારે ઉત્સુકતા છે. વિશ્લેષકોના મતે, ભાજપ આગામી મોટી ચૂંટણીઓના સમીકરણોને ધ્યાનમાં રાખીને જ આ પદ પર કોઈ વિશ્વસનીય ચહેરાની નિમણૂક કરશે.
ચેરમેન પદની રેસ અને ભાજપની ‘સરપ્રાઈઝ’ પરંપરા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે હાલમાં ઘાટલોડિયા વોર્ડના પ્રવીણ પટેલ અને પાલડી વોર્ડના કાઉન્સિલર જૈનિક વકીલના નામો ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, ભાજપની જૂની પરંપરા રહી છે કે તે છેલ્લી ઘડીએ કોઈ તદ્દન અણધાર્યા કે 'સરપ્રાઈઝ' ચહેરાને આગળ લાવીને તમામને ચોંકાવી દે છે. શહેર ભાજપ દ્વારા સંભવિત દાવેદારોની પેનલ (યાદી) પ્રદેશ મોવડી મંડળને મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર વાગશે.
જ્ઞાતિ અને ભૌગોલિક સમીકરણોનું ગણિત
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર પદોની વહેંચણીમાં ચોક્કસ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે:
ભૌગોલિક સંતુલન: જો પશ્ચિમ અમદાવાદમાંથી મેયરની પસંદગી થશે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પૂર્વ અમદાવાદના કોઈ કાઉન્સિલરને ફાળવવામાં આવી શકે છે.
જ્ઞાતિ આધારિત સંતુલન: આ વર્ષે અમદાવાદમાં મેયરનું પદ ઓબીસી (OBC) કેટેગરી માટે અનામત હોવાની શક્યતા વચ્ચે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદાર સમાજના ઉમેદવારને બેસાડવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. AMCના આ પદો ભવિષ્યના રાજકીય નેતૃત્વ માટે ખૂબ મહત્વના છે, કારણ કે ભૂતકાળમાં કોર્પોરેશનમાંથી બહાર આવેલા અનેક નેતાઓ આજે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ ભોગવી રહ્યા છે.
નવા નેતૃત્વ સામે શહેરના વિકાસના કઠિન પડકારો
નવા ચૂંટાનારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે આગામી સમય ફૂલોની સેજ નહીં પણ કાંટાવાળો તાજ સાબિત થશે. અમદાવાદ જે ઝડપે મેગા સિટી તરફ આગળ વધી રહ્યું છે, તેની સાથે સમસ્યાઓ પણ વધી રહી છે.
ટ્રાફિક મેનેજમેન્ટ અને નવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ
ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની (વોટર લોગિંગ) કાયમી સમસ્યાનો ઉકેલ.
પ્રદૂષણ નિયંત્રણ, ગ્રીન કવર વધારવું અને પિવાના શુદ્ધ પાણીનો પુરવઠો.
કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી યોજનાઓનું સમયસર અમલીકરણ.
રાજકીય રીતે, ગુજરાત ભાજપ આ નિર્ણયો દ્વારા આગામી મોટી ચૂંટણીઓ માટે પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે, જેથી પક્ષ તમામ સ્તરે સંતુલિત અને સચોટ નિર્ણય લેવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.





