Home Gujarat Cj Chavda Audio Viral Mehsana Bjp Congress 2 Crore Claim

'કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા' : મહેસાણા ભાજપમાં ભૂકંપ: સી.જે. ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ

CJ Chavda audio viral
Published by: Viral Patel
Last Updated: May 25, 2026, 01:15 PM IST

Mehsana News: ગુજરાતના રાજકારણમાં મહેસાણા જિલ્લો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જિલ્લા ભાજપના નેતાઓની એક પછી એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થવાના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. અગાઉ નીતિન પટેલ અને મયંક નાયક બાદ હવે વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાની એક વિસ્ફોટક ઓડિયો ક્લિપ સામે આવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

"મૈં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે, ભાજપને કાઢવામાં રસ હોય, તો કહેજો" : શંકરસિંહ વાઘેલાએ કેમ કહ્યું; 'ભાજપ સામે ચપ્પા નહીં ચાલે'? જાણો બાપુનો પ્લાન

'કોંગ્રેસમાંથી આવ્યો ત્યારે બે કરોડ મળ્યા, અન્યને તો માત્ર 50 લાખ'

આ કથિત ઓડિયો ક્લિપમાં સી.જે. ચાવડાના અવાજમાં ચૂંટણીલક્ષી નાણાકીય વ્યવહાર અને પક્ષ પલટા અંગે ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. ક્લિપમાં સંભળાય છે કે, "હું જ્યારે કોંગ્રેસમાંથી આવ્યો અને વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે મને બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા." સાથે જ અન્ય નેતાઓ અંગે કટાક્ષ કરતા તેઓ કહે છે કે, બાકીના અન્ય કોઈને 50 લાખ રૂપિયાથી વધુની રકમ મળતી નથી. આ નિવેદન ભાજપના આંતરિક ચૂંટણી ફંડ અને પક્ષ પલટુ નેતાઓને અપાતી પ્રાથમિકતા સામે સવાલો ઉભા કરી રહ્યું છે.

'મતદાન માટે પૈસા આપીને મતો મેળવ્યા'

વાયરલ ઓડિયોમાં માત્ર ફંડની જ વાત નથી, પરંતુ મતદાન પ્રક્રિયાને લઈને પણ સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે. ક્લિપમાં સી.જે. ચાવડા એવું કહેતા સંભળાય છે કે, "મતદાન માટે પૈસા આપીને આપણે મતો મેળવી લીધા છે." આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત સ્તરે સર્વે કરાવીને ગરીબ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની વ્યૂહરચના પણ ચર્ચાતી સંભળાય છે.

રસ્તા પર ભૂવા કે જીવલેણ ખાડા? : કારેલીબાગમાં મોટી હોનારત ટળી, સ્થાનિકોએ બચાવ્યા વાહનચાલકોના જીવ

કોણ છે સી.જે. ચાવડા?

સી.જે. ચાવડા ગુજરાતના રાજકારણમાં એક જાણીતું નામ છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી હતા. શંકરસિંહ વાઘેલાના કહેવાથી રાજકારણમાં આવેલા ચાવડાએ 2002માં ગાંધીનગર બેઠક પરથી ભાજપના મંત્રીને હરાવીને મોટી સફળતા મેળવી હતી. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી વિજય. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં બેઠક બદલીને વિજાપુર આવ્યા અને ત્યારબાદ 12 ફેબ્રુઆરી, 2024ના રોજ સી.આર. પાટીલના અધ્યક્ષપદે ભાજપમાં જોડાયા. હાલ તેઓ વિજાપુરના ધારાસભ્ય છે.

મહેસાણામાં વારંવાર સામે આવતી આવી ઓડિયો ક્લિપોના કારણે ભાજપની આંતરિક જૂથબંધી ખુલ્લી પડી રહી છે. વિપક્ષને આ મુદ્દે સરકાર પર પ્રહાર કરવાની તક મળી છે, જ્યારે સામાન્ય જનતામાં પણ ચૂંટણીમાં નાણાંના પ્રભાવ અને પક્ષીય નીતિઓ અંગે તીવ્ર ચર્ચાઓ જાગી છે. સી.જે. ચાવડા દ્વારા કરવામાં આવેલો આ દાવો આવનારા દિવસોમાં ભાજપ માટે મુસીબત બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now