Home Gujarat Ahmedabad Amc Election Ahmedabad Bjp Protest Local Issues

નદી પાર વિકાસ અને પૂર્વ વિસ્તારનું સત્યાનાશ : ચૂંટણીમાં ભાજપને ભારે પડશે અમદાવાદમાં ભેદભાવની રાજનીતિ

ચૂંટણીમાં આ વખતે ભાજપને ભારે પડશે
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 23, 2026, 07:16 AM IST

AMC Election 2026: અમદાવાદ શહેર ભૌગોલિક રીતે બે ભાગોમાં વહેંચાયેલું છે. જેમાં એક પશ્ચિમ અને બીજો પૂર્વ. સામાન્ય રીતે નદી પારના વિસ્તારને પશ્ચિમ અને પોશ વિસ્તાર કહેવામાં આવે છે. મહદઅંશે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૈસાદાર અને હાઈફાઈ કહેવાતા લોકો રહે છે. જ્યારે તેની સરખામણીએ પૂર્વ અમદાવાદમાં મોટેભાગે જીઆઈડીઓ, કામદાર વર્ગ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. જેને કારણે રાજકીય રીતે પણ શહેરના બે ભાગ થઈ ગયા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર સાથે ભાજપનું ઓરમાયું વર્તનઃ

પૂર્વ વિસ્તારમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પણ પાયાની સુવિધાઓ આપવામાં આવી નથી. જેને કારણે વર્ષોથી ભાજપને મત આપવા છતાં શહેરના પૂર્વ ભાગમાં આવેલાં મોટાભાગના વિસ્તારોમાં આજે પણ રોડ-રસ્તા ગટર-પાણી અને લાઈટ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જ્યારે બીજી તરફ પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં AMC દ્વારા જબરદસ્ત ગાર્ડનો, જીમ, સ્વિમિંગપુલ, સ્પોટર્સ કલબ, લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવ્યાં છે. જેને કારણે શહેરનો એક ભાગ જે વિકસીત છે એ વધારે ચમકતો થયો છે. જ્યારે શહેરનો બીજો ભાગમાં આજે પણ લોકોને પાયાની સુવિધાઓ માટે વલખા મારવા પડે છે.

આ પણ વાંચોઃ મનપાની ચૂંટણી પતાવી દેશે ભાજપના આ ધારાસભ્યોની કારકિર્દી : 2027માં નહીં મળે ટિકિટ! પાર્ટીમાં છેક ઉપર સુધી પહોંચી ફરિયાદો

પ્રચાર છોડીને ભાજપના નેતાઓને ભાગવું પડી રહ્યું છેઃ

એજ કારણ છેકે, આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે અમદાવાદમાં કપરાં ચઢાણ જેવી સ્થિતિ સર્જાઈ છે. મત આપવા છતાં વિસ્તારના કામો ના થવાને કારણે લોકોમાં ભાજપ સામે ભારોભાર નારાજગી છે. જેના લીધે આ વખતે લોકોના રોષનો ભોગ બનવાથી ઠેર-ઠેર ભાજપના નેતાઓ પ્રચાર અધવચ્ચે છોડીને ભાગતા નજરે પડે છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ આજ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે આયોજિત ભાજપના અનુસૂચિત જાતિના સંમેલન દરમિયાન અચાનક તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓના અભાવે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પ્રચાર માટે હાજર રહેલા ભાજપના નેતાઓ સામે મહિલાઓ સહિતના રહેવાસીઓએ બેનરો અને પેમ્પ્લેટ સાથે ઉગ્ર સવાલો ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી સહિત ભાજપના ચારેય ઉમેદવારોને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે નેતાઓને કાર્યક્રમ અધવચ્ચે છોડીને પરત ફરવું પડ્યું હતું. ઘટનાએ શહેરના રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પ્રચાર શરૂ થતાં જ કેમ પડ્યો ભાજપના ઉમેદવારોનો વારો? : જાણો અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ભાજપવાળા કેમ પ્રચાર છોડી ભાગ્યાં

બીજી તરફ શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વિસ્તારમાં લાગ્યા પોસ્ટર છે. કમળનું ફૂલ અમારી ભૂલ ના લાગ્યા પોસ્ટર. ખાનગી બિલ્ડર્સ ના લાભ માટે ભાજપના મળતીયાઓ દ્વારા ખાનગી મિલકતો પર જબરજસ્તી કબજો થઈ રહ્યો હોવાની વાત અસારવા વિસ્તારની 7 થી વધુ ચાલીમાં લાગ્યા પોસ્ટર. શિવપ્રસાદની ચાલી, ગાભાજી મંગાજીની ચાલી, ઓડ વાસ, હીરાલાલ કેશવ લાલ ની ચાલી, મહાજનની વાડીમાં આ પ્રકારના પોસ્ટરો લાગ્યાં છે. તમામ લોકોએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. બીજી તરફ અસારવાની પતરા વાળી ચાલીમાં પણ ચૂંટણી બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. રી ડેવલોપમેન્ટ ના નામે છેતરપિંડી થઈ હોવાથી ચૂંટણી બહિષ્કારની વાતનો પણ ઉલ્લેખ કરાયો છે.

આ તમામની વચ્ચે સોશિયલ મીડિયા પર નરોડાથી ભાજપના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષોથી રહેતાં સ્થાનિકોનું કહેવું છેકે, ધારાસભ્ય માત્ર પોતાના સીંધી સમાજના જ ધારાસભ્ય હોય હંમેશા તેમની વર્તણૂંક એ પ્રકારની જ હોય છે. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છેકે, પાયલ કુકરાણી નરોડાના ધારાસભ્ય હોવા છતાં તેઓ ક્યારેય સરદારનગર કે કુબેરનગર જેવા તેમના સીંધી વિસ્તારોને છોડીને બીજા વિસ્તારની મુલાકાત લેવા પણ જતાં નથી. નરોડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા મનપાના વિવિધ વોર્ડના સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છેકે, પાયલ કુકરાણી માત્ર સીંધી વિસ્તારોમાં જ વિવિધ સુવિધાઓ અને વિકાસકામોની લહાણી કરે છે. એવામાં આવખતે ભાજપ દ્વારા કરાયેલી ટિકિટોની વહેંચણીમાં પણ સ્થાનિક ઉમેદવાર કાર્યકરોની અવગણના કરીને ભાજપે બહારના ઉમેદવારોને ટિકિટ આપી હોવાની વાત પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જેને કારણે લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલાં ઘણાં કાર્યકરોએ ઉમેદવારોના નામ જાહેર થતાં જ પક્ષમાંથી રાજીનામાં ધરી દીધાં હતાં.

પૂર્વ અમદાવાદમાં વિકાસ મુદ્દે અસંતોષ

માત્ર ઓઢવ જ નહીં, પરંતુ સરદારનગર, નોબલનગર, નાના ચિલોડા, નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, બાપુનગર અને ઈસનપુર, વસ્ત્રાલ, ગોતા, જમાલપુર, ખાડિયા અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં પણ રહેવાસીઓ દ્વારા સમાન પ્રકારની ફરિયાદો ઉઠાવવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી વિકાસના નામે કોઈ ઠોસ કામ થયા નથી અને રોજિંદા જીવન માટે જરૂરી મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત રહ્યો છે. ઘણા વિસ્તારોમાં સોસાયટીઓની બહાર ભાજપ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જે સ્થાનિક અસંતોષનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. ચૂંટણી નજીક આવતાં આ મુદ્દાઓ વધુ તીવ્ર બન્યા છે, જે રાજકીય પક્ષો માટે ચિંતાજનક સંકેત ગણાઈ રહ્યા છે.

પૂર્વ-પશ્ચિમ વિકાસમાં અંતર પર પ્રશ્ન

સ્થાનિકોમાં સૌથી વધુ ઉઠતો મુદ્દો છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચેનો વિકાસનો તફાવત. રહેવાસીઓનો આક્ષેપ છે કે પશ્ચિમ વિસ્તારમાં આધુનિક સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસાવવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે. આક્ષેપ મુજબ, સમૃદ્ધ વિસ્તારોમાં રહેનારા લોકો માટે તાત્કાલિક સુવિધાઓ ઉભી કરવામાં આવે છે, જ્યારે નદીપારના વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી થતી નથી. આ અસમાનતા હવે રાજકીય ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહી છે.

આ ઘટનાએ ભાજપ માટે પૂર્વ અમદાવાદમાં પડકાર ઉભો કર્યો છે. ચૂંટણી પહેલા જ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ સામે આવતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થઈ શકે છે. પક્ષ માટે હવે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો એક મોટી કસોટી બની શકે છે. વિશેષજ્ઞોના મત મુજબ, આવી ઘટનાઓ માત્ર તાત્કાલિક રાજકીય અસર જ નથી કરતી, પરંતુ લાંબા ગાળે મતદારોના વલણને પણ પ્રભાવિત કરે છે. આવનારા દિવસોમાં રાજકીય પક્ષો આ મુદ્દાઓને કેવી રીતે હેન્ડલ કરે છે તે પરિસ્થિતિને નિર્ધારિત કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now