સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ આજે 4 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે. આ બજેટનું કુલ કદ અંદાજે 16 હજાર કરોડ રૂપિયાની આસપાસ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ અને વિકાસલક્ષી જાહેરાતો કરવામાં આવશે.
8 નવા બ્રિજ બનાવવાની યોજના પણ બજેટમાં સામેલ થવાની સંભાવના
શહેરમાં સતત વધતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે બજેટમાં ખાસ ભાર મૂકવામાં આવી શકે છે. ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવશે. આ સાથે શહેરમાં કુલ 8 નવા બ્રિજ બનાવવાની યોજના પણ બજેટમાં સામેલ થવાની સંભાવના છે, જેના કારણે વાહનવ્યવહાર વધુ સરળ અને સુગમ બનશે.
હેરિટેજ વારસાની સંરક્ષણ અને જાળવણી માટે અલગથી બજેટ ફાળવાશે!
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વિશ્વભરમાં ઓળખ ધરાવે છે. આ ઓળખ જાળવી રાખવા માટે હેરિટેજ વારસાની સંરક્ષણ અને જાળવણી માટે અલગથી બજેટ ફાળવવામાં આવશે. હેરિટેજ વિસ્તારો અને ઐતિહાસિક સ્થળોના નવીનીકરણ, સંવર્ધન અને વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો બજેટમાં થઈ શકે છે.
આ બેજેટ રમતગમતના ક્ષેત્રે નવી દિશા આપનારું સાબિત થાય તેવી શક્યતા
આ ઉપરાંત, આવનારા સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ વધુ બજેટ ફાળવવામાં આવશે. શહેરમાં રમતગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવા, સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ખેલાડીઓ માટેની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવશે. કુલ મળીને, આજે રજૂ થનારું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ શહેરના વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા, હેરિટેજ સંરક્ષણ અને રમતગમતના ક્ષેત્રે નવી દિશા આપનારું સાબિત થાય તેવી શક્યતા છે.




















