Ambalal Patel Prediction: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને લૂના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને રાહત અને આફત બંનેના સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં હાલમાં જે આકરી ગરમી પડી રહી છે તેનાથી ટૂંક સમયમાં થોડી રાહત મળવાની શક્યતા છે, પરંતુ આ રાહત ક્ષણિક સાબિત થઈ શકે છે. તાજેતરના અહેવાલો મુજબ, આગામી થોડા દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે. જોકે, મે મહિનાની શરૂઆતમાં જ ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થવાની દહેશત છે. 8 મે પછી ફરી એકવાર સૂર્યનારાયણ આકરા પાણીએ થશે અને તાપમાનનો પારો નવા રેકોર્ડ સ્થાપિત કરી શકે છે. રાજ્યના અનેક શહેરોમાં ફરીથી હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 40-41 ડિગ્રી રહેવાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આનાથી લોકોને ગરમીથી થોડી રાહત તો મળશે, પરંતુ બફારો યથાવત રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ પારો ગગડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
8 મે પછી આકાશમાંથી વરસશે 'અગનગોળા', 45 ડિગ્રી સુધી જશે તાપમાન
રાહતના સમાચાર વચ્ચે અંબાલાલ પટેલે ચેતવણી પણ ઉચ્ચારી છે. મે મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે 8 મે બાદ ગુજરાતમાં ગરમીનું જોર ફરી વધશે. રાજ્યના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં તાપમાન 43 થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ દરમિયાન આકરી લૂ ફૂંકાવાની પણ શક્યતા છે, જેના કારણે લોકોએ ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.






