Surat Accident: ડાયમંડ સિટી સુરતના કતારગામ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કતારગામ કિરણ હોસ્પિટલ પાસે આવેલા બહાદુરસિંહ બ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક એમ્બ્યુલન્સ અચાનક ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ઓવરટેક કરવાના પ્રયાસમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ દર્દી સવાર હતા. બ્રિજ પર એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચઢી જતાં જોરદાર અવાજ સાથે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને મોટી ઈજા પહોંચી નથી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સ કોઈ ગંભીર દર્દીને લઈને જઈ રહી હતી ત્યારે સમયસર હોસ્પિટલ પહોંચવા માટે ચાલકે બહાદુરસિંહ બ્રિજ પર અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સ બેકાબૂ બની હતી અને સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. એમ્બ્યુલન્સનું આગળનું ટાયર ડિવાઈડર પર ચઢી જતાં વાહન અટકી પડ્યું હતું, જેના કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
આ પણ વાંચો: NH-48 પર આવેલી 'VR વન' બિલ્ડિંગમાં ભીષણ આગ : પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી; અનેક વાહનો ખાખ
વૃદ્ધ દર્દીને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માત સર્જાતા જ એમ્બ્યુલન્સમાં સવાર વૃદ્ધ દર્દીના જીવ પર જોખમ ઊભું થયું હતું. પરંતુ કિરણ હોસ્પિટલ નજીક જ હોવાથી સ્થાનિકો અને રાહદારીઓએ માનવતા દાખવી દર્દીને બીજી વ્યવસ્થા દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સદનસીબે દર્દી કે એમ્બ્યુલન્સના સ્ટાફને કોઈ ગંભીર ઈજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.
સ્થાનિકોમાં ચિંતા અને દોડધામના દ્રશ્યો
બહાદુરસિંહ બ્રિજ જેવો વ્યસ્ત બ્રિજ હોવાથી અકસ્માત થતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોમાં દર્દીની તબિયતને લઈને ભારે ચિંતા જોવા મળી હતી. આ ઘટનાને પગલે કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ક્રેઈનની મદદથી એમ્બ્યુલન્સને ડિવાઈડર પરથી હટાવવાની તજવીજ હાથ ધરી હતી.





