Home Gujarat Vadodara Vadodara Nh48 Vr One Building Short Circuit Vehicles Burnt Fire News

NH-48 પર આવેલી 'VR વન' બિલ્ડિંગમાં ભીષણ આગ : પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી; અનેક વાહનો ખાખ

VR One building fire, NH-48 Vadodara fire
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 29, 2026, 05:56 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં નેશનલ હાઈવે-48 પર ગતરોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. શહેરના વ્યસ્ત ગણાતા હાઈવે પર આવેલી 'VR વન' નામની બહુમાળી ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. L&T જેવી પ્રતિષ્ઠિત કંપનીની બિલકુલ સામે આવેલી આ બિલ્ડિંગમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ છેક આઠમા માળ સુધી પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકત અને વાહનોને ભારે નુકસાન થયું છે.

શોર્ટ સર્કિટ બન્યું આગનું નિમિત્ત

પ્રાપ્ત વિગતો અનુસાર, VR વન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. તણખલાઓમાંથી શરૂ થયેલી આ આગે ગણતરીની સેકન્ડોમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મીટર બોર્ડની આસપાસ રહેલા વાયરિંગને કારણે આગ ઝડપથી ફેલાઈ અને સીધી પાર્કિંગ એરિયા સુધી પહોંચી ગઈ હતી. પાર્કિંગમાં પડેલા વાહનોના ટાયર અને ઓઈલના કારણે આગ વધુ તેજ બની હતી, જેના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા.

પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓનું તાંડવ

આ ઘટનાની સૌથી ડરામણી વાત એ હતી કે આગ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પૂરતી મર્યાદિત ન રહી. બિલ્ડિંગના ડક્ટ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગની પેનલો વાટે આગની જ્વાળાઓ અને ગૂંગળાવી દેતો ધુમાડો ઉપરના માળ તરફ ધસી ગયો હતો. જોતજોતામાં આગ 8મા માળ સુધી પ્રસરી ગઈ હતી. બિલ્ડિંગમાં રહેતા રહીશોએ જ્યારે ધુમાડો અને ગરમી અનુભવી ત્યારે જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. લોકો પોતાના ઘર છોડીને સીડીઓ વાટે નીચે ઉતરી આવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં ધોળેદિવસે રુંવાડા ઉભા કરી દે તેવી લૂંટ : 83 વર્ષીય વૃદ્ધ દંપતીને બંધક બનાવી ચપ્પુની અણીએ લૂંટ, વડોદરા પોલીસ દોડતી થઈ

ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ કાબુમાં

ઘટનાની જાણ થતા જ પાણીગેટ ફાયર સ્ટેશન સહિત નજીકના ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. કલાકોની ભારે જહેમત અને જીવના જોખમે કરેલી કામગીરી બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગ બુઝાયા બાદ પણ ગરમીને કારણે ફરી આગ ન લાગે તે માટે લાંબો સમય સુધી 'કૂલિંગ ઓપરેશન' ચલાવવામાં આવ્યું હતું.

વાહનો લોખંડના હાડપિંજર બન્યા, કરોડોનું નુકસાન

આ આગમાં પાર્કિંગમાં મુકેલા અનેક ટુ-વ્હીલર અને અન્ય વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. અનેક મોંઘીદાટ ગાડીઓ પણ આગની લપેટમાં આવી જતા માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બિલ્ડિંગના બાહ્ય હિસ્સાના કાચ પણ તૂટી પડ્યા હતા અને સ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ બાજુના બ્લોકમાં ન ફેલાઈ, અન્યથા મોટી હોનારત સર્જાઈ શકી હોત.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now