Ambaji HeavyRains: યાત્રાધામ અંબાજીમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જોકે, માત્ર ૩૦ મિનિટના ભારે પવન સાથે ખાબકેલા વરસાદે અંબાજીની ડ્રેનેજ વ્યવસ્થા અને વહીવટી તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડાવી દીધા છે. અંબાજી અને ખેડબ્રહ્માને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
માર્ગો પર નદી જેવા દૃશ્યો, ગોઠણસમા પાણી ભરાયા
ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અંબાજીના મુખ્ય માર્ગો પર જોતજોતામાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. હાઇવે અને આસપાસના મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિના કારણે અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રિકો અને સ્થાનિક રહીશોના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા, જેના લીધે અવરજવરમાં ભારે વિક્ષેપ પડ્યો હતો.
ટ્રાફિક જામ અને જનજીવન પ્રભાવિત
મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી. વાહનો બંધ પડી જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યાત્રિકો અને સ્થાનિક લોકોને કલાકો સુધી જામમાં ફસાયેલા રહેવું પડ્યું હતું, જેનાથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો
ચોમાસાના પ્રથમ ભારે વરસાદમાં જ જે પ્રકારે અંબાજી પાણી-પાણી થઈ ગયું, તેણે સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. લાખો રૂપિયાના ખર્ચે કરાતી પ્રિ-મોન્સૂન પ્લાનિંગ અને ડ્રેનેજ સફાઈની વ્યવસ્થા માત્ર અડધા કલાકના વરસાદમાં જ ધોવાઈ ગઈ છે.
સ્થાનિકોનો રોષ અને કાયમી ઉકેલની માંગ
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, "વર્ષોથી આ માર્ગ પર ચોમાસા દરમિયાન આ જ પ્રકારના દૃશ્યો જોવા મળે છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી." દર વર્ષે સર્જાતી આ સમસ્યાથી કંટાળીને હવે સ્થાનિકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આ ડ્રેનેજ લાઈનની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.






