Home Gujarat All Postmortems And Dna Sampling Were Done As Per Prescribed Norms Dr Dharmesh Siljia

અમુક નાના નશ્વર અવશેષો હતા : છતાં તમામનું પોસ્ટમોર્ટમ અને DNA સેમ્પલિંગ નિયત ધારાધોરણો મુજબ થયા: ડૉ. ધર્મેશ સિલજિયા.

અમુક નાના નશ્વર અવશેષો હતા
Published by: OBS Bureau
Last Updated: Jun 18, 2025, 02:30 PM IST

તાજેતરમાં અમદાવાદમાં બનેલી AI 171 વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં અપનાવવામાં આવેલા ઉચ્ચ ધારાધોરણો અને વ્યવસ્થાપન નોંધપાત્ર છે. ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. ધર્મેશ સિલજિયાએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દરેક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને નિયત પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું, જેનો શ્રેય સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને ફોરેન્સિક એક્સપર્ટ ટીમને જાય છે.

ત્વરિત પ્રક્રિયા હાથ ધરવા આરોગ્ય સેવાના ૧૪૦ જેટલા તબીબોને મોબિલાઇઝ કરવામાં આવ્યા હતા. તેમણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું હતું. પાઇલટની શારીરિક અવસ્થા, ખાદ્ય પદાર્થોનું સેવન અને સંભવિત રોગ-બીમારીની જાણકારી મેળવવી, શરીરની XRay તપાસ આવા કિસ્સાઓમાં અત્યંત અગત્યની હોય છે, અને તેથી આ તપાસમાં વાંછિત ગંભીરતા દાખવવામાં આવતા AAIBના અધિકારીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. વિમાન દુર્ઘટનાના અન્ય હતભાગીઓના મૃતદેહની ઓટોપ્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી.

ડો. ધર્મેશે સ્પષ્ટ કર્યું કે, આવા ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં જ્યારે મૃત્યુનું કારણ સ્પષ્ટપણે જાણીતું હોય ("કોઝ ઓફ ડેથ નોન"), ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ મૃતદેહોનું માત્ર એક્સટર્નલ એક્ઝામિનેશન (બાહ્ય પરીક્ષણ) કરવામાં આવે છે. આ માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવીને જ આ પ્રકારની તમામ ઓટોપ્સી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તપાસ ઝડપથી થાય, મૃતકની ઓળખની પ્રક્રિયા ઝડપી થતા પરિવારજનોને રાહત મળે અને કાયદાકીય જરૂરિયાતો પણ પૂરી થાય.

સિવિલ હોસ્પિટલ તંત્રે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્તરે કોઈ કચાશ રાખી નથી. દુર્ઘટના સ્થળ પરથી આવેલા દરેક મૃતદેહને અને દરેક નાનામાં નાના અવશેષને, એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવ્યો હતો. માત્ર મૃતદેહોને જ નહીં, તેમની સાથે આવેલી તમામ વસ્તુઓને પણ એ જ યુનિક નંબર આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ નોટ જેવા દસ્તાવેજોમાં પણ આ યુનિક નંબરથી જ જે તે મૃતદેહનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.

આ વ્યવસ્થાપન પદ્ધતિને કારણે ડી.એન.એ. સેમ્પલ મેચ થતાં જ મૃતદેહ અને તેની સાથેની તમામ વસ્તુઓ સહેલાઈથી પરિવારજનોને સોંપી શકાઈ હતી.ડો. ધર્મેશ સિલજિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, મોટી સંખ્યામાં મૃતદેહો, નશ્વર અવશેષો હોવા છતાં, તમામના પોસ્ટમોર્ટમ અને DNA સેમ્પલિંગ નિયત ધારાધોરણો મુજબ થયા હતા અને કોઈ પણ શોર્ટકટ અપનાવવામાં આવ્યો ન હતો. આ સંપૂર્ણ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલની ફોરેન્સિક ટીમના વ્યાવસાયિક અભિગમ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now