Home Sports IPL 2026 Ajinkya Rahane Ipl 2026 Career Future Gujarati

આ સ્ટાર બેટ્સમેનની IPL સફર અંતની નજીક! : IPL 2026 ની નિરાશાજનક સિઝન બાદ ભવિષ્ય ખરીદદાર મળવો ખૂબ મુશ્કેલ

KKR
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: Apr 27, 2026, 01:44 PM IST

IPL 2026 : IPL 2026 ની સિઝન જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ કેટલાક દિગ્ગજ ખેલાડીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટના સૌથી અનુભવી અને ક્લાસિક બેટ્સમેનોમાં ગણાતા અજિંક્ય રહાણે માટે આ સિઝન કદાચ તેના જીવનની છેલ્લી IPL સાબિત થઈ શકે છે. મેદાન પર રન બનાવવા માટે ઝઝૂમી રહેલા રહાણે માટે હવે રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. ક્રિકેટના જાણકારો માની રહ્યા છે કે, જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો આગામી ઓક્શનમાં તેને કોઈ ખરીદદાર મળે તેવી શક્યતા નહિવત છે.

બેટિંગ મોરચે કેપ્ટનનો ફ્લોપ શો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ફ્રેન્ચાઈઝીએ રહાણેના અનુભવ પર વિશ્વાસ મૂકીને તેને IPL 2026 માટે ₹1.5 કરોડમાં રિટેન કર્યો હતો. વર્ષ 2025 થી રહાણે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે અને તેના નેતૃત્વમાં ટીમે સારું પ્રદર્શન પણ કર્યું છે, પરંતુ એક બેટ્સમેન તરીકે તે સાવ નિષ્ફળ સાબિત થયો છે. ટીમને ઓપનિંગમાં અથવા મિડલ ઓર્ડરમાં જે મજબૂતીની જરૂર હતી, તે આપવામાં રહાણે નિષ્ફળ રહ્યો છે. ખરાબ ફોર્મ માત્ર તેના આત્મવિશ્વાસને જ નહીં પરંતુ ટીમના સ્કોરબોર્ડને પણ અસર કરી રહ્યું છે.

નિરાશાજનક આંકડાની માયાજાળ

વર્તમાન સિઝનમાં રહાણેના પ્રદર્શન પર નજર કરીએ, તો તે કોઈ સામાન્ય બેટ્સમેન જેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં તે માત્ર 162 રન જ બનાવી શક્યો છે, જેમાં તેની એવરેજ 23.14 જેવી સામાન્ય રહી છે. આ સિઝનમાં તેના સ્કોર પર નજર કરીએ તો 67, 8, 8, 41, 28, 0, 0 અને 10 રન નોંધાયા છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, એક મોટી ઇનિંગને બાદ કરતાં તે સતત મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. ખાસ કરીને છેલ્લી કેટલીક મેચોમાં શૂન્ય પર આઉટ થવું તેની કરિયર માટે ખતરાની ઘંટી સમાન છે.

આ પણ ખાસ વાંચો : “એક ફોટા માટે 100 રૂપિયા ચાર્જ છે” : RR ના 15 વર્ષીય યુવા વૈભવ સૂર્યવંશીએ કેમ આવું કહ્યું?

આગામી સિઝનમાં ખરીદદારની મુશ્કેલી

IPL 2027 ના મેગા ઓક્શન પહેલા તમામ ટીમો યુવા અને આક્રમક ખેલાડીઓની શોધમાં હશે. રહાણેની વધતી ઉંમર અને તેનો ઘટતો સ્ટ્રાઇક રેટ કોઈપણ ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. KKR જેવી ટીમો પણ હવે લોન્ગ ટર્મ પ્લાનિંગ પર ધ્યાન આપી રહી છે, તેથી તે રહાણેને રિલીઝ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. જ્યારે કોઈ ખેલાડી સતત બે સિઝન સુધી ફોર્મમાં ન હોય, ત્યારે અન્ય ફ્રેન્ચાઈઝીઓ પણ તેના પર બોલી લગાવતા અચકાય છે. નબળું ફોર્મ અને ફિટનેસના મુદ્દાઓ તેને અનસોલ્ડ રાખવા માટે પૂરતા કારણો બની શકે છે.

શાનદાર ઈતિહાસ અને અંતિમ મેચનો સંકેત

રહાણેનો IPL ઈતિહાસ ઘણો ગૌરવશાળી રહ્યો છે. તેને પોતાની કારકિર્દીમાં 206 મેચો રમીને 5,194 રન બનાવ્યા છે, જેમાં 2 સેન્ચુરી અને 34 હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે. 105 રનનો તેનો સર્વોચ્ચ સ્કોર તેની ક્ષમતાની સાક્ષી પૂરે છે. જોકે, રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 15 બોલમાં માત્ર 10 રન બનાવી આઉટ થવું એ સંકેત આપે છે કે, હવે તેની બેટિંગમાં તે જૂની ધાર રહી નથી. ભલે તેની ટીમે સુપર ઓવરમાં જીત મેળવી હોય, પરંતુ રહાણેની વ્યક્તિગત નિષ્ફળતા હવે તેના નિવૃત્તિના સમાચારોને વેગ આપી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now